માતા કચરો નાખવા બહાર ગઇ ને માસૂમ બાળકે દરવાજો અંદરથી બંધ કરી દેતા દોડધામ
ધરમનગર કવાર્ટરનો બનાવ : પાડોશીઓ અને ફાયર બ્રિગેડનો સ્ટાફ દોડ્યો, દરવાજો તોડી બહાર કઢાયો
શહેરના ધરમનગર કર્વાટરમાં માસુમ બાળક ઘરમાં ફસાઇ ગયાનો બનાવ સામે આવ્યો હતો. માતા કચરો નાંખવા બહાર ગઇ ને બાળકે દરવાજો અંદરથી બંધ કરી દેતા દોડધામ મચી જવા પામી હતી. પાડોશીઓ અને ફાયર બ્રિગેડના સ્ટાફે દોડી જઇ દરવાજો તોડી બાળકને બહાર કાઢયો હતો.
ધરમગર કવાર્ટરમાં ત્રીજા માળે કવાર્ટર નં 954 માં રહેતા સચીનભાઇ દુબેનો 14 મહિનાનો બાળક પાર્થ આજે બપોરે ઘરમાં સુતો હતો ત્યારે બાળકના માતા કચરો નાંખવા દરવાજો બંધ કરી બહાર ગયા હતા દરમિયાન બાળક ઉઠી જતા દરવાજો અંદરથી બંધ કરી લેતા ફસાઇ ગયુ હતુ. માતા કચરો નાંખીને પરત આવતા દરવાજો અંદરથી પુત્રએ બંધ કરી લીધો હોવાની જાણ થઇ હતી અને બાળક રડવા લાગ્યો હોય જેથી માતાએ દેકારો કરતા પાડોશીઓ એકઠા થઇ ગયા હતા અને ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી. જો કે ફાયર બ્રિગેડનો સ્ટાફ પહોંચે તે પહેલા સ્થાનિક લોકોએ દરવાજો તોડી અંદરથી લોક ખોલી બાળકને બહાર કાઢી લીધો હતો.