મોદી સરકારમાં દેશનો સર્વાંગી વિકાસ, મજબૂત નેતૃત્વ મળ્યું
11 વર્ષના શાસનની સાફલ્યગાથા વર્ણવતા ભૂપેન્દ્રભાઇ પટેલ અને સી.આર. પાટિલ
દેશમાં છેલ્લા 11 વર્ષથી સ્થિત અને વિકાસશીલ સરકાર છે, કેન્દ્રમાં મોદી સરકારે આજે 11 વર્ષનું શાસન પૂર્ણ કર્યુ છે. આજે 10 જૂને મોદી સરકારના 11 વર્ષના શાસનને પૂર્ણ થવા પર ગુજરાતમાં ભાજપે એક કાર્યક્રમ યોજ્યો હતો. ગાંધીનગરના કમલમ ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજીને મોદી સરકારના વિકાસના કાર્યોને વર્ણવ્યા હતા.
સંયુક્ત પત્રકાર પરિષદમાં બોલતા ભૂપેન્દ્ર પટેલ અને પાટીલે જણાવ્યું કે, મોદી સરકારે 11 વર્ષમાં દેશનો સર્વાંગી વિકાસ કર્યો છે. દેશને મજબૂત નેતૃત્વ મળ્યુ છે.
કમલમ ખાતે પ્રેસ કોન્ફરન્સમાં બોલતા ભૂપેન્દ્ર પટેલે અને સીઆર પાટીલે જણાવ્યું કે, નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારને 11 વર્ષ પૂર્ણ કર્યા છે. ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલની સંયુક્ત પત્રકાર પરિષદમાં મહત્વના મુદ્દાને ઉલ્લેખવામાં આવ્યા હતા. તેમને કહ્યું કે, 11 વર્ષના સુવર્ણકાળની ચારેકોર પ્રસંશા થઇ રહી છે. પીએમ મોદીના નેતૃત્વમાં દેશનો સર્વાંગી વિકાસ થયો છે. ગુજરાતની જનતા વતી નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રીએ અભિનંદન આપ્યા છે. દેશમાં અત્યારે સૌનો સાથ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસનો મંત્ર સાકાર થયો છે. નિરંતર અને સતત પ્રગતિશીલ વિકાસથી નાગરિકોને સરકાર પર વિશ્વાસ છે. દેશમાં વિકાસના અનેક કાર્યો સત્વરે પુરા થઈ રહ્યા છે, જનતામાં સરકાર પ્રત્યેનો વિકાસ વધ્યો છે.
વધુમાં જણાવ્યું કે 11 વર્ષમાં દેશની અર્થવ્યવસ્થા મજબૂત બની છે, દેશ ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા તરફ આગળ વધી રહ્યો છે, 25 કરોડ લોકોને ગરીબીની રેખાથી ઉપર લવાયા છે, ગરીબોને મફત પૌષ્ટીક આહાર આપવાનું કાર્ય મોદી સરકારે કર્યું છે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ સહિતની યોજનાઓ અમલી બની છે, હર ઘર જળ યોજના હેઠળ 15 કરોડ પરિવારોના ઘરે પાણી પહોંચ્યું છે, ખેડૂતોને પોષણક્ષમ ભાવ નરેંદ્ર મોદીના નેતૃત્વમાં અપાયા છે, ખેત ઉત્પાદનના ટેકાના ભાવમાં સતત વધારો કરાયો છે. કિસાન સહાય નિધિ થકી ખેડૂતોને મજબૂત કરાયા છે, ખેડૂતોના ખાતામાં દર વર્ષે છ હજાર સીધા જમા થાય છે, વચોટિયા મુક્ત શાસન આપી યોજનાનો લાભ સીધો લાભાર્થી સુધી પહોંચ્યો છે.
રશિયા-યુક્રેનના યુદ્ધમાં ભારતની મહત્વની ભૂમિકા જોવા મળી છે. યુદ્ધ, આપત્તિના સમયે ભારતીયોને પરત લાવવાના ઓપરેશન હાથ ધરાયા હતા, ભારત હવે લેવા નહી પણ આપવા હાથ લાંબો કરે છે, આતંક વિરુદ્ધના યુદ્ધમાં 11 વર્ષમાં જબરજસ્ત સફળતા મેળવી છે. આતંકનો જવાબ ભારત મજબૂતાઈથી આપે છે, ભારતમાં તૈયાર થયેલા શસ્ત્રોથી યુદ્ધ લડાઇ રહ્યું છે. ડિફેન્સ ક્ષેત્રે મેક ઈન ઈંડિયાનો નારો સાકાર થયો છે. શસ્ત્રોના ઉત્પાદનમાં ભારત સતત પ્રગતિ કરે છે, પુલવામા હુમલાનો જડબાતોડ જવાબ અપાયો છે, આયુષ્માન ભારત યોજના હેઠળ ગરીબોને મફતમાં સારવાર મળી રહી છે. પીએમ મોદીના અત્યાર સુધીના કાર્યકાળમાં દેશનો સર્વાંગી વિકાસ થયો છે. પાર્લામેન્ટ અને વિધાનસભામાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારાયું છે, દેશની નારીને સુરક્ષિત અને સ્વનિર્ભર કરવાનો સફળ પ્રયાસો કરાયા છે. સ્વચ્છ ભારત અભિયાન સૌથી સફળ અભિયાન તરીકે ઉભરી આવ્યુ છે.