17300 ફૂટ ઊંચા શિખર પર ‘નો ડ્રગ્સ કેમ્પેઇન’નો સંદેશ
રાજકોટના વતની કુશ વાછાણી સહિત 15 યુવાનોએ માઉન્ટ ફ્રેન્ડશિપ પર લહેરાવ્યો તિરંગો
વિશ્વના નકશા પર ભારત નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. દેશની પ્રગતિની સફરમાં ગુજરાતીઓનું નોંધપાત્ર યોગદાન છે. ત્યારે ગુજરાતના 15 યુવાન પર્વતારોહકોની ટીમે હિમાચલ પ્રદેશની પીર પંજાલ રેન્જમાં આવેલી 17,300 ફૂટ ઊંચા પમાઉન્ટ ફ્રેન્ડશિપથ પર ‘No Drugs Campaign’ના સંદેશ સાથે તિરંગો લહેરાવ્યો હતો.
રાજકોટ જિલ્લા માટે ગૌરવની વાત એ છે કે, આ 15 સાહસિક યુવાનોની ટીમમાં એક રાજકોટીયન પણ છે, જેમનું નામ છે કુશ વાછાણી. કુશભાઈએ અન્ય સાહસિક યુવાઓ સાથે મળીને દુર્ગમ ચઢાણ અને અત્યંત નીચા તાપમાનનો સામનો કરી, ટોચ પર સફળતાપૂર્વક તિરંગો લહેરાવ્યો છે. એટલું જ નહીં, સાથેસાથે દેશના યુવાનોમાં નશાવિરોધી જાગૃતિ ફેલાવવા ‘No Drugs Campaign’નો સંદેશ ગગનચુંબી શિખર સુધી પહોંચાડ્યો છે. આ યુવાનોએ પોતાની હિંમત અને સંકલ્પશક્તિથી દેશનું ગૌરવ વધાર્યું છે.
ઉલ્લેખનીય છે કે, આ અનેરી સિદ્ધિ પાછળ હતી ઇન્વિન્સિબલ એન.જી.ઓ.ની પ્રતિબદ્ધતા. ટ્રેકિંગ અને એડવેન્ચર માટેની ઇન્વિન્સિબલ સંસ્થા દ્વારા યુવાનોને બે મહિના સુધી કઠોર શારીરિક અને માનસિક તાલીમ આપવામાં આવી હતી. જેમાં દરરોજ રનિંગ, સામાન સાથે ચઢાણ, યોગ-પ્રાણાયામ, ટેક્નિકલ વિડીઓ લેકચર્સ અને અનુભવી કોચના માર્ગદર્શનનો સમાવેશ થાય છે. ત્યારબાદ શારીરિક કસોટીના આધારે આ યુવાઓની પસંદગી કરવામાં આવી હતી.આ ટીમે તા. 20 મેના રોજ પોતાની યાત્રાની શરૂૂઆત કરી અને તા. 26 મેના રોજ શિખર સર કરીને સફળતા પ્રાપ્ત કરી હતી. યુવાઓમાં વ્યસનમુક્તિ માટેની જાગૃતતા વધે, તે હેતુસર આ સફરને ઇન્વિન્સિબલ એન.જી.ઓ દ્વારા સ્પોન્સર કરવામાં આવી હતી. આ પ્રકારની સ્વૈચ્છિક સંસ્થાઓ દેશની યુવા પેઢીના સુદ્રઢ ભવિષ્ય માટે પ્રેરણાદાયી ભૂમિકા ભજવી રહી છે.