રાજકોટ જિલ્લામાં આગામી ચાર દિવસમાં ગરમીનો પારો 44 ડિગ્રી સુધી જઈ શકે
જિલ્લામાં હવામાન સુકું, ગરમ અને મોટા ભાગે ચોખ્ખું રહેવાની આગાહી
રાજકોટ જિલ્લામાં આગામી ચાર દિવસમાં મહત્તમ તાપમાન 42 થી 44 ડિગ્રી સેલ્સિયસ જેટલું રહેવાની અને હવામાન સુકું, ગરમ અને મોટા ભાગે ચોખ્ખું રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
ભારત સરકારના હવામાન ખાતા તરફથી મળેલી હવામાન માહિતી અનુસાર, ગ્રામીણ કૃષિ મૌસમ સેવા વિભાગ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી-તરઘડીયાની યાદીમાં જણાવાયું છે કે, રાજકોટ જિલ્લામાં 16 થી 20મી એપ્રિલ સુધીમાં હવામાન સુકું, ગરમ અને મોટા ભાગે ચોખ્ખું રહેવાની શક્યતા છે.
આ સમયગાળામાં મહત્તમ તાપમાન 42 થી 44 ડિગ્રી સેલ્સિયસ તથા લઘુતમ તાપમાન રાત્રિ દરમિયાન 23 થી 24 ડિગ્રી સે.જેટલું રહેવાની સંભાવના છે. જેમાં 17 તથા 18મી એપ્રિલે મહત્તમ 44 ડિગ્રી, જ્યારે 19 મી એપ્રિલે 43 ડિગ્રી અને 20મી એપ્રિલે 42 ડિગ્રી મહત્તમ તાપમાન રહેવાની શક્યતા છે.
આ સમયગાળામાં મહત્તમ ભેજનું પ્રમાણ 75-85 જ્યારે લઘુતમ ભેજ 20-20 ટકા રહી શકે છે. પવનની દિશા પશ્ચિમની રહેવાની અને પવનની ઝડપ 15થી 16 કિ.મી. પ્રતિ કલાક રહેવાની શક્યતા છે.