ભત્રીજાના લગ્નમાં હવામાં ફાયરિંગ કરનારા શખ્સને ઝડપી લેવાયો
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના બાંકોડી ગામે એક યુવાનના લગ્નમાં એક શખ્સ દ્વારા અન્ય શખ્સના પરવાનાવારા હથિયારમાંથી સાવચેતી વગર અને બિનજરૂરી રીતે હવામાં ફાયરિંગ કરતા એસ.ઓ.જી. પોલીસે તેને ઝડપી લઇ, ગુનો નોંધ્યો હતો.આ અંગે એસ.ઓ.જી. સુત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ શનિવાર તારીખ 2 ના રોજ કલ્યાણપુર તાલુકાના બાંકોડી ગામે રહેતા કાના માંડણ ગોજીયા નામના શખ્સ દ્વારા ટીના ભત્રીજા વિપુલ સવદાસ ગોજીયાના લગ્ન પ્રસંગે પોતાના બાંકોડી ગામના વાડી વિસ્તારમાં તેના પાક રક્ષણના હથિયાર (અગ્નિશસ્ત્ર)માંથી હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
આ ગંભીર બાબતે જિલ્લા એસ.ઓ.જી. પોલીસે તાકીદની કાર્યવાહી કરી અને ઉપરોક્ત શખ્સને ગણતરી કલાકમાં ઝડપી લીધો હતો. આરોપી કાના માંડણ ગોજીયા દ્વારા સોશિયલ મીડિયામાં ચમકવા માટે પોતાના ઘાતક હત્યાથી બેદરકારીપૂર્વક અને માનવ જીવન જોખમાય તે રીતે ફાયરિંગ કરતો વિડિયો બનાવ્યું હોવાનું વધુમાં જાહેર થયું છે. આ અંગે કલ્યાણપુર પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.
આટલું જ નહીં, આ પ્રકરણમાં વરરાજા એવા વિપુલ જગાભાઈ હરદાસભાઈ ગોજીયા (ઉ.વ. 25, રહે. બાંકોડી)એ કોઈપણ પ્રકારનો હથિયારનો પરવાનો ધરાવતો ન હોવા ઉપરાંત તેની પાસે હથિયાર બાબતે કોઈ તાલીમ ન હોવા છતાં તેણે અન્ય આરોપી કાના માંડણ ગોજીયાનું પરવાનાવાળું હથીયાર લઈ અને પોતાના કબજામાં રાખી, મોટરકાર પર બેસી અને જાહેરમાં ઉભા રહી અને ફોટો પડાવ્યો હતો. એટલું જ નહીં, આ ફોટો સોશિયલ મીડિયામાં પણ અપલોડ કરી દેતા એસ.ઓ.જી.એ પોલીસે તાકીદે હરકતમાં આવીને આરોપી વિપુલ જગાભાઈ હરદાસભાઈ ગોજીયા સામે હથિયાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી, તેની અટકાયત કરી લીધી હતી.
આ સમગ્ર કામગીરી એસ.ઓ.જી. વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. પી.સી. સિંગરખીયા, એ.એસ.આઈ. કાનાભાઈ માડમ, ભીખાભાઈ ગાગીયા, હરદેવસિંહ જાડેજા, સુમાતભાઈ ભાટીયા, વિજયસિંહ જાડેજા તથા જગદીશભાઈ કરમુર દ્વારા કરવામાં આવી હતી.