OBC અનામતનો મહત્તમ લાભ અમુક સમૃદ્ધ જ્ઞાતિના લોકોને જ મળે છે!
સામાન્ય રીતે અનામતનું ભૂત કોંગ્રેસ અને બીજા પ્રાદેશિક પક્ષો ધખાવતા હોય છે. શાસક પક્ષ તો મુખ્યત્વે હિન્દુત્વના એજન્ડા પર જ કામ કરતો હોય છે. શાસક પક્ષમાંથી તો ભાગ્યે જ કોઈ ધારાસભ્ય કે સાંસદ અનામત જેવા મુદ્દા પર ફોડ પાડીને બોલતો હોય છે, પરંતુ હવે આ પ્રવાહ પલટાયો હોય તેમ લાગે છે. ભાજપના દસાડાના ધારાસભ્ય પી.કે. પરમારે જણાવ્યું છે કે 27 ટકા અનામતનો મોટો હિસ્સો કેટલીક સમૃદ્ધ જ્ઞાતિઓના લોકો લઈ જાય છે અને આપણા લોકો વંચિત રહી જાય છે.
તેઓનો દાવો છે કે ભારતીય લશ્કર અને ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) બંનેમાં અનામત નથી અને બંને તેમના કામકાજમાં સૌથી શ્રેષ્ઠ સંસ્થા છે. આ જ પુરવાર કરે છે કે અનામતના મુદ્દાને કે તેની સમસ્યાને છે તેના કરતાં પણ વધારે મોટી બતાવવામાં આવી રહી છે. ભાજપ આમ પણ મંડલ પંચના રાજકારણની સામે કમંડળ ઉતારીને સફળતા મેળવી ચૂક્યું છે. આ સંજોગોમાં અનામતની વાતને તે પારોઠના પગલાં સમાન જેવી ગણે છે. તેથી જ પક્ષનો કોર્પોરેટર, વિધાનસભ્ય કે સાંસદ અથવા હોદ્દેદાર અનામત અંગે મગનું નામ મરી પાડતો નથી.
આ સંજોગોમાં ભાજપનો જ ધારાસભ્ય હવે ત્યારે અનામતની વાત કરે ત્યારે ફક્ત દસાડા જ નહીં ગાંધીનગરથી લઈને દિલ્હી સુધી આંચકો અનુભવાય તે સ્વાભાવિક છે. હવે કોઈને પણ થાય કે શાસક પક્ષનો ધારાસભ્ય આ બોલ્યો શું તે શાસક પક્ષની કોઈ નવી વ્યૂહરચના છે, ઉલ્લેખનીય છે કે દેશમાં આ વખતે જાતિગત મતગણતરી થવાની છે, કેન્દ્ર સરકારે પણ તેના માટે મંજૂરી આપી દીધી છે. તેથી પહેલાં રાજ્ય સ્તરે અને પછી રાષ્ટ્રીય સ્તરે વિપક્ષના જાતિગત વસ્તી ગણતરીના મુદ્દાની હવા કાઢી નાખવા માટે શાસક પક્ષે અત્યારથી જ કમર કસવા માંડી છે, જેથી આગામી ચૂંટણીઓમાં તેનો રાજકીય લાભ મેળવી શકાય.
હવે જો દસાડાના ધારાસભ્યનું આ નિવેદન પક્ષની લાઇન મુજબનું જ હશે તો આગામી દિવસમાં તેમની સામે કોઈપણ કાર્યવાહી નહીં થાય.તેની સાથે તે પણ સ્વીકારી લેવાનું રહેશે કે ભાજપ 2027ની વિધાનસભા ચૂંટણી માટે કોઈ નવી જ વ્યૂહરચના સાથે કામ કરી રહ્યું છે તથા જાતિગત વસ્તી ગણતરીને લઈને તેણે 2029ની લોકસભા ચૂંટણીની કમર પણ કસી લીધી છે.
ભાજપના ધારાસભ્યની અનામતની વાતથી વિપક્ષ કોંગ્રેસ પણ આ મુદ્દે ગેલમાં આવી ગઈ છે. કોંગ્રેસે જણાવ્યું હતું કે પહેલી જ વખત શાસક પક્ષનો ધારાસભ્ય આ રીતે ખુલીને બોલ્યો છે. કોંગ્રેસે તો તેને આ પ્રકારની હિંમત બદલ અભિનંદન પણ આપ્યા હતા, તેની સાથે ચેતવણી પણ આપી હતી કે આગામી દિવસોમાં કદાચ તેમણે આના પરિણામો ભોગવવા પણ પડી શકે છે.