મહાદેવના મંદિરે ડીજેના તાલે શિવમય બનેલા PWDના કર્મીનું પ્રાણપંખેરું ઊડી ગયું
રાજકોટ સહિત રાજયભરમાં હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે ત્યારે વધુ ત્રણ વ્યક્તિના હદયરોગના હુમલાથી મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં જુની મામલતદાર કચેરી ખાતે મહાદેવના મંદિરે ડીજેના તાલે શિવમય બની ઝૂમી ઉઠેલા પીડબ્લ્યુડીના કર્મચારી, મેહુલનગરના વૃદ્ધ અને લખમણ ટાઉનશીપના પ્રોઢાનું હદય થંભી જતા મોત નીપજ્યું છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ભગવતીપરામાં રહેતા અને પીડબલ્યુડીમાં ફરજ બજાવતા મનસુખભાઈ દેવશીભાઈ ચાવડા નામના આધેડ ગઈકાલે શિવરાત્રીના દિવસે જૂની મામલતદાર કચેરી ખાતે આવેલા મહાદેવના મંદિરે હતા ત્યારે ડીજેના તાલે ભક્તો સાથે શિવમય બન્યા હતા અને ડીજેના તાલે ઝૂમી રહ્યા હતા ત્યારે તેમને અચાનક હદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેમનું હદયરોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું ફરજ પરના તબીબે જણાવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
બીજા બનાવમાં કોઠારીયા રોડ ઉપર આવેલા મેહુલનગરમાં રહેતા જયંતભાઈ ગોવિંદભાઈ ખેરડીયા નામના 60 વર્ષના વૃદ્ધ બપોરના એકાદ વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા. ત્યારે છાતીમાં દુખાવો ઉપડતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી વૃદ્ધનું હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યું જાહેર કર્યું હતું.
આ ઉપરાંત ત્રીજા બનાવમાં સ્પીડ પાર્ટી પ્લોટ પાસે આવેલ લક્ષમણ ટાઉનશિપમાં રહેતા અરુણાબેન રવિભાઈ વ્યાસ નામના 50 વર્ષના પ્રોઢા રાત્રીના સાડા આઠ વાગ્યાના સમયે પોતાના ઘરે હતા. ત્યારે હૃદયરોગનો હુમલો આવતા મોત નીપજ્યું હતું. પ્રોઢાના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક પૂછપરછમાં મૃતક પ્રોઢાને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટના યુવાને મહાકુંભમાં ડૂબકી માર્યા બાદ શ્વાસ થંભી ગયો
રાજકોટમાં નવાગામ આણંદપરમાં રહેતો રાજેશ બાબુભાઈ બાબરીયા નામનો 26 વર્ષનો યુવાન બે દિવસ પૂર્વે માતા બેબીબેન સંચાલિત યાત્રાધામની બસમાં મહાકુંભ ગયો હતો જ્યાં ગઈકાલે સાંજે ડુબકી માર્યા બાદ હદયરોગનો હુમલો આવતા મોત નીપજ્યું હતું. યુવકના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવાન ત્રણ ભાઈમાં વચ્ચેટ હતો અને તેને સંતાનમાં એક પુત્ર છે. મૃતક યુવકની અંતિમવિધિ પણ મહાકુંભ ખાતે જ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.