For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તોડ કરવા ગયેલા બૂટલેગર સામે ફરિયાદ કરનાર પત્રકારના પગ ભાંગી નાખ્યા

12:29 PM Nov 15, 2024 IST | Bhumika
તોડ કરવા ગયેલા બૂટલેગર સામે ફરિયાદ કરનાર પત્રકારના પગ ભાંગી નાખ્યા
Advertisement

કાળીપાટ ગામ પાસે હોટેલે સમૂહલગ્નના પોસ્ટર લગાડતા પત્રકાર ઉપર બુટલેગર સહિતના શખ્સોનો હુમલો: આજી ડેમ પોલીસમાં ગુનો નોંધાયો

રાજકોટના બામણબોર ગામે રહેતા પત્રકાર ઉપર ભાવનગર હાઈવે પર માંડા ડુંગર પાસે નામચીન બુટલેગર અને તેના સાગરીતે હુમલો કરી પગ ભાંગી નાખતા આ મામલે આજીડેમ પોલીસમાં બુટલેગર અને હાલ બની બેઠેલા પત્રકાર સામે પોલીસે કાર્યવાહી કરી તેની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે. અગાઉ દારૂના ગુના અને પોલીસ ઉપર હુમલા સહિતના ગુનામાં સંડોવાયેલા નામચીન બુટલેગરે ત્રણ મહિના પહેલા બામણબોરના એક નકલી ડોક્ટર પાસે ત્રણ લાખ રૂપિયાનો તોડ કરવા ધમકી આપીહોય જે બાબતે પત્રકાર અને બામણબોરના સરપંચે એરપોર્ટ પોલીસ મથકમાં બુટલેગર સામે અરજી કરી હોય જેનો ખાર રાખીને આ હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

મળતી વિગત મુજબ બામણબોર રહેતા અને પત્રકાર બાબુભાઈ રવજીભાઈ ડાભી ઉ.વ.49 ગઈકાલે કાળીપાટ ગામ પાસે આવેલી હોટેલે સમુહ લગ્નના પોસ્ટર લગાવતા હતા ત્યારે ઉપલાકાંઠે રહેતો નામચીન બુટલેગર અને હાલ બની બેઠેલા પત્રકાર પ્રતિક ચંદારાણા અને તેની સાથેનો એકશખ્સ બાબુભાઈ ડાભીને ત્યાં જોઈ જતા ત્યાં ધસી આવ્યા હતા. અને હોટલમાંથી લોખંડનો સળિયો કાઢી બાબુભાઈ ડાભી ઉપર હુમલો કરી તેના પગ ભાંગી નાખ્યા હતા અને હાથમાં પણ ઈજા કરી હતી. ઈજાગ્રસ્ત બાબુભાઈને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

આ બનાવ અંગેની જાણ થતાં આજીડેમ પોલીસ મથકના પીઆઈ એ.બી. જાડેજા સહિતનો સ્ટાફ હોસ્પિટેલ દોડી આવ્યો હતો અને બાબુભાઈ રવજીભાઈ ડાભીની ફરિયાદના આધારે પ્રતિક ચંદારાણા અને તેના સાગરીત સામે ગુનો નોંધ્યો હતો. ફરિયાદમાં બાબુભાઈના જણાવ્યા અનુસાર અગાઉ દારૂનો ધંધો કરતો અને સૌરાષ્ટ્રમાં જેની સામે દારૂના અનેક ગુનાઓ નોંધાયેલ છે. જે પ્રતિક ચંદારાણા તે હાલ સૌરાષ્ટ્રસેતુ નામનું ન્યુઝ પેપર ચલાવે છે અને તેનો મેનેજીંગ તંત્રી છે. ત્રણ મહિના પૂર્વે બામણબોરના નકલી ડોક્ટર રાજુભાઈ વાળા પાસે પ્રતિક ચંદારાણાએ સાત લાખ રૂપિયા માંગ્યા હતા. અને ત્યાર બાદ ત્રણ લાખ રૂપિયાનો તોડ કરવા માટે નકલી ડોક્ટરને ધમકી આપી હોય જે બાબતે બામણબોરના સરપંચ વિપુલભાઈ બસિયા અને પત્રકાર બાબુભાઈ ડાભીએ પ્રતિક ચંદારાણા સામે એરપોર્ટ પોલીસમાં અરજી કરી હતી. જેનો ખાર રાખીને પ્રતિકે બાબુભાઈ ઉપર હુમલો કર્યો હતો. આ મામલે આજીડેમ પોલીસે હુમલાખોર પ્રતિક ચંદારાણા અને તેના સાગરીતની શોધખોળ શરૂ કરી છે.

બૂટલેગરમાંથી પત્રકાર બનેલા પ્રતિક વિરુદ્ધ અનેક ગુનાઓ
રાજકોટના ઉપલાકાંઠા વિસ્તારમાં રહેતા પ્રતિક અને તેના પિતા સામે પોલીસ ચોપડે અનેક ગુના નોંધાયેલા છે. પ્રતિક ચંદારાણા અને તેના પિતા સામે દારૂની હેરાફેરી તેમજ પોલીસકોન્સ્ટેબલ ઉપર હુમલો કરવા સહિતના અનેક ગુના રાજકોટ ઉપરાંત અન્ય જિલ્લામાં પણ નોંધાયેલા છે. છેલ્લા ઘણા વખતથી દારૂનો ધંધો કરતા પ્રતિક ચંદારાણાએ પીળુ પત્રકારત્વ કરવા માટે સૌરાષ્ટ્રસેતુ સાંધ્યદૈનિક નામનું સોશિયલ મીડિયા નામનું છાપુ ચાલુ કર્યુ હોય જેથી પોલીસ તંત્ર ઉપર દબાણ લાવવા માટે આ સોશિયલ મીડિયાના છાપાનો ઉપયોગ તે કરતો હતો. ત્રણ મહિના પહેલા બામણબોરના એક તબીબ પાસેથી ત્રણ લાખ રૂપિયાનો તોડ કરવાનું કાવતરુ રચ્યુ હતુ. જેમાં તેની કારી ફાવી ન હોય અને પોલીસમાં અરજી થઈ હતી જેનો ખાર રાખીને આજે તેણે બામણબોરના પત્રકાર ઉપર હુમલો કર્યો હોય ત્યારે હવે પોલીસ આવા બની બેઠેલા પત્રકાર સામે કાર્યવાહી કરશે કે કેમ તે જોવાનું રહ્યું.

Advertisement
Tags :
Advertisement
Advertisement