અમદાવાદ વિમાની દુર્ઘટનામાં પાઇલટ્સને જવાબદાર ઠેરવી તપાસનું ફીંડલું વાળી દેવાશે
અમદાવાદમાં લગભગ એક મહિના પહેલાં તૂટી પડેલું એર ઇન્ડિયાનું વિમાન કેમ તૂટી પડ્યું તેનાં કારણોની તપાસ કરનારી એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (અઅઈંઇ)ના પ્રાથમિક રિપોર્ટના કારણે બખેડો થઈ ગયો છે કેમ કે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ પ્રાથમિક રિપોર્ટમાં દોષનો ટોપલો પાઇલટ્સ પર ઢોળી દીધો છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોના 15 પાનાના પ્રારંભિક રિપોર્ટમાં એવું તારણ કઢાયું છે કે, પાઇલટે એન્જિનને ફ્યુઅલ આપતી સ્વિચ બંધ કરી દીધેલી તેથી એન્જિન બંધ પડી ગયું અને વિમાન તૂટી પડયું.
આ સ્વિચ અજાણતાં બંધ થઈ જાય એવી હોતી નથી પણ તેને ખેંચીને બંધ કરવી પડે છે તેથી આડકતરી રીતે પાઇલટે જાણી જોઈને આ સ્વિચ બંધ કરીને આપઘાત કર્યો ને પોતાની સાથે વિમાનના પ્રવાસીઓ તથા મેડિકલ કોલેજની હોસ્ટેલના નિર્દોષ લોકોને પણ લઈ મર્યો એવું રિપોર્ટ કહે છે. ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલટ્સ અને એરલાઇન પાઇલટ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાએ તો આ રિપોર્ટ સામે વાંધો લીધો જ છે પણ એવિએશન સેક્ટરના નિષ્ણાતો પણ આ રિપોર્ટને હાસ્યાસ્પદ ગણાવી રહ્યા છે. પાઇલટ્સનાં એસોસિએશનનું કહેવું છે કે, સરકારી તપાસ ટીમમાં કોઈ અનુભવી પાઇલટ્સનો સમાવેશ કરવામાં આવ્યો નથી અને અધિકારીઓએ ઓફિસમાં બેસીને રિપોર્ટ બનાવી દીધો છે. આ દુર્ઘટનામાં પહેલાંથી જ પાઇલટ્સની ભૂલને કારણે અકસ્માત થયો હોવાનું ચિત્ર ઊભું કરવા પ્રયત્ન કરાઈ રહ્યો છે ને એ પ્રમાણે જ રિપોર્ટ બનાવાયો છે તેથી આ રિપોર્ટને સાચો ન માની શકાય. રિપોર્ટમાં બે પાઇલટ્સની વાતનો ઉલ્લેખ છે.
કો-પાઇલટ્સ ક્લાઇવ કુંદર વિમાન ઉડાડી રહ્યા હતા જ્યારે કમાન્ડર સુમિત સભરવાલ આ ઉડાન માટે ‘પાઇલટ્સ મોનિટરિંગ’ હતા. રિપોર્ટમાં જણાવાયું છે કે, એક પાઇલટ્સ બીજા પાઇલટ્લે સવાલ કરે છે કે, તેણે ફ્યુઅલ સ્વિચ કેમ બંધ કરી ? બીજા પાઇલોટ જવાબ આપે છે કે, મેં ફ્યુઅલ સ્વિચ બંધ કરી નથી. આ રિપોર્ટ શંકાસ્પદ છે ને તેમાં મોટી કંપનીઓને છાવરવાની ખોરી દાનત દેખાઈ જ રહી છે. બોઈંગ અને એર ઈન્ડિયા સહિતની દુર્ઘટના સાથે સંકળાયેલી કંપનીઓ પાસે કરોડો રૂૂપિયા છે. સામે પાઇલટ્સ બિચારા ગુજરી ગયા છે અને તેમનો કોઈ વાંક નહોતો -એવું સાબિત કરનારું કોઈ નથી એ જોતાં બધો દોષનો ટોપલો -તેમના પર ઢોળી દેવાય એ શક્ય છે. પ્રારંભિક રિપોર્ટમાં તેનો -તખ્તો તૈયાર કરી દેવાયો છે ને અંતિમ રિપોર્ટ એ જ લાઈ પર બનાવીને આખી વાતનું ફીંડલું વાળી દેવાય એવું બને.