જૂનાગઢના ગુજસીટોકના આરોેપી રાજુ સોલંકીનું મકાન ગેરકાયદે
જુનાગઢના ગુજસીટોકના આરોપી રાજુ સોલંકીની મુશ્કેલીમાં વધારો થવાની તૈયારી છે. જુનાગઢ શહેરમાં ખાડિયા વિસ્તારમાં આવેલું રાજુ સોલંકીનું મકાન ગેરકાયદેસર હોવાની વાત સામે આવી છે. આ અંગે જુનાગઢ મહાનગરપાલિકાએ નોટિસ ફટાકરી 7 દિવસમાં મકાન અંગેના પુરાવાઓ માંગ્યા છે. જુનાગઢ શહેરમાં જીમખાનાની બાજુમાં ખાડિયા વિસ્તારમાં સર્વે નંબર 350 પર રજુ સોલંકીએ મકાનનું બાંધકામ કર્યું છે. જુનાગઢ મહાનગરપાલિકાની જમીન પર બાંધકામ કરી નાખ્યાની આશંકાએ મહાનગરપાલિકાએ આ બાંધકામ અંગે 7 દિવસમાં પુરાવા રજૂ કરવા નોટિસ અપાઈ છે.
રાજુ સોલંકી, તેની પત્ની હંસાબેન અને તેમના પુત્ર સહિત તમામ ગુજસીટોક હેઠળ ગુનામાં જેલમાં છે. રાજુ સોલંકીની પુત્રીએ પુરાવા રજૂ કરવા વધારે સમય માંગ્યો છે અને આ માટે કારણ રજૂ કર્યું છે કે ઘરના બધા કાગળો પોલીસે જપ્ત કરી લીધા છે. પણ મહાનગરપાલિકાની નોટિસ પ્રમાણે 7 દિવસમાં પુરાવા રજૂ નહીં કરવામાં આવે તો ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજુ સોલંકી અને તેમના પરિવારને ગુજસીટોક હેઠળ જેલભેગા કરી દેવામાં આવ્યા હતા. ત્યારે હવે મહાનગરપાલિકાએ મકાનના પુરાવા અંગે નોટીસ ઇસ્યુ કરતાં કાર્યવાહી શરૂ કરી છે.