હોસ્પિટલ તંત્ર અંતે જાગ્યું, મોતના ખાડામાં આડસ મુકાઇ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગેઇટ બનાવવા માટે ખોદેલા ખાડામાં પડી જવાથી દર્દીનું મોત નિપજતા અંતે હોસ્પિટલ તંત્ર જાગ્યું છે. અને આજે તાબડતોબ મોતના ખાડા ફરતે પતરાની આડસ મુકવા સાથે ભયસૂચક બોર્ડ પણ મુકી દીધુ હતુ. આ ઉપરાંત હોસ્પિટલની કમ્પાઉન્ડ વોલ બહાર અને ગેઇટ પાસે ઉભા રહેતા ખાણી-પીણીના લારી-ગલ્લાવાળાઓેેને પણ હાંકી કાઢયા હતા.
બીજી તરફ કોંગ્રેસે આજે આ બેદરકારી મામલે ઇન્ચાર્જ સિવિલ સર્જનને આવેદનપત્ર આપી મૃતકના વારસદારોને રૂા.25 લાખનુ વળતર ચૂકવવા અને સરકારી નોકરી આપવા માંગણી કરી હતી અને જવાબદારો સામે પગલા ભરી સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધવા રજૂઆત કરી હતી.
કોંગ્રેસ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતુ કે, જવાહર રોડ બાજુ સિવિલ હોસ્પિટલમાં બનતા ગેટ પાસે સિવિલ તંત્ર અને પી.આઈ.યુ.વિભાગ દ્વારા બનાવવામાં આવી રહેલા ગેટના પિલરના મોટા ખાડામાં પડી જવાથી એક યુવા વ્યક્તિનું મૃત્યુ થયું છે. જેની પાછળ સિવિલ તંત્ર અને પી.આઇ.યું. વિભાગની ઘોર બેદરકારી જોવા મળી રહી છે.
35 વર્ષના યુવા વ્યક્તિ જગદીશ ભાઈ ચાવડા વહેલી સવારે ખુબજ મોટા ખાડામાં પડી જતાં તેમનું મૃત્યુ થયું હતું અને તેનું સ્પષ્ટ અને સાચું કારણ એક જ હતું કે આ ખાડાની ફરતે કોઈપણ પ્રકારના બેરિકેડ્સ લગાવવામાં આવ્યા નહોતા અને ત્યાં કોઈ સિક્યુરિટી ગાર્ડ પણ હાજર નહોતા ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ હાથ સે હાથ જોડો સમિતિ દ્વારા મૃતકની હત્યા પાછળ જવાબદાર સિવિલ તંત્ર અને પી.આઇ.યુ.વિભાગના જે કોઈ જવાબદાર લોકો હોય તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરાઇ છે.જો આ ઘટના બાબતે યોગ્ય જડપી કાર્યવાહી નહીં કરવામાં આવે તો રાજકોટ કોંગ્રેસ હાથ સે હાથ જોડો સમિતિના પ્રમુખ કલ્પેશભાઇ કુંડલિયા, દિપક મકવાણા, ગોસ્વામી હસમુખભાઇ, હરેશભાઇ પરમાર, સુરેશભાઇ ચાવડા, જગદિશભાઇ મોરી, ઓશકભાઇ રાઠોડ, મહેન્દ્રભાઇ રાઠોડ, વશરામભાઇ સાગઠીયા, એ આંદોલનની ચીમકી આપી હતી.
અંતે જૂનો ગેટ ખુલ્લો મુકાયો, લારી-ગલ્લાવાળાને હાંકી કઢાયા
સિવિલ હોસ્પિટલના ખાડામાં પડી જવાથી દર્દીનું મોત નિપજ્યા બાદ હોસ્પિટલ તંત્ર સફાળુ જાગ્યુ છે. અને કમ્પાઉન્ડમાં સમસ્યા હળવી કરવા જૂનો મેઇન ગેઇટ હલન-ચલન માટે ખૂલ્લો મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત હોસ્પિટલની આસપાસથી ખાણી-પીણીના લારી ગલ્લા વાળાઓને દૂર કર્યા હતા.