વેલનાથપરાના વૃદ્ધના શંકાસ્પદ મોત મામલે હાઇકોર્ટનો પોલીસને ફેર તપાસનો આદેશ
પોલીસ ગવરીદડેથી ઉઠાવી ગયા બાદ બેડી ચોક્ડી પાસે બેભાન હાલતમાં મળ્યા હતા
વેલનાથપરાના વૃદ્ધ અમરશીભાઈ કાનજીભાઈ સીતાપરાના આક્ષેપિત કસ્ટોડિયલ ડેથ કેસમાં હાઇકોર્ટે કુવાડવા પોલીસના પીઆઇને ન્યાયિક તપાસની સૂચના આપી છે.પોલીસ વાનમાં લઈ ગયા બાદ તા.12 એપ્રિલના રોજ અમરશીભાઈ બેડી ચોકડી પાસેથી અર્ધબેભાન હાલતમાં મળ્યા હતા. તેમનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
મળતી વિગતો મુજબ,અગાઉ તા.2-5-2024ના રોજ આનંદ અમરશીભાઇ સીતાપરા (રહે. મોરબી રોડ, વેલનાથપરા શેરી નં.19)એ પોલીસ કમિશ્નરને અરજી કરતા ગંભીર આક્ષેપ કર્યો હતો કે,તેમના પિતા ગવરીદડમાં સિકયુરીટી ની નોકરી કરે છે. તા.12-4ના રોજ સવારે 6.30 વાગ્યે તેઓ ઘરેથી નીકળી ગયા હતા.તે પછી તેના પિતાના ફોનમાંથી કોઇ અજાણ્યા વ્યકિતએ વાત કરેલ કે આ ફોનવાળી વ્યકિત બેડી ચોકડી પાસે બેભાન પડેલ છે.તેઓ સ્થળ પર પહોંચી તુરંત તેમના પિતાને રીક્ષામાં સિવિલ હોસ્પિટલે લઇ જતા હતા ત્યારે તેઓએ અર્ધ બેભાન હાલતમાં જણાવ્યું હતું કે,મને પડખાના ભાગે બહુ દુ:ખે છે, મને ખુબ માર મારેલ છે. એટલું બોલી તે બેભાન થઇ ગયા અને સારવારમાં તેમનું મૃત્યુ થયું હતું.
પછી પરિવારને જાણવા મળ્યું કે તા.12-4ના રોજ ગવરીદડમાં કથા-સપ્તાહનું આયોજન હતું.તેમાં અમરશીભાઈ સિકયુરીટી હતા.ત્યાં કોઇ માથાકૂટ થતા પીસીઆર વાનમાં આવેલી પોલીસ અમરશીભાઈને પીસીઆર વાનમાં બેસાડી લઇ ગઇ હતી.જે પછી તેઓ બેડી ચોકડીએથી અર્ધ બેભાન મળ્યા હતા.જેથી પોલીસે માર મારતા તેમનું મોત થયાનો આક્ષેપ કર્યો હતો.આ અંગે પોલીસ કમિશ્નરે કોઇ એકશન ન લેતા આનંદભાઇએ વકીલ મારફત હાઇકોર્ટમાં અરજી કરી હતી.જેમાં કોર્ટે પોલીસ મથકના પીઆઇને સૂચના કરી હતી કે,આ ઘટનામાં સત્ય હકીકત તપાસવામાં આવે અને જો એફઆઇઆર થતી ન હોય તો કયા કારણોસર એફઆઇઆર થતી નથી તેના કારણો જણાવવામાં આવે.અત્રે ઉલ્લેખનીય છે કે,બે મહિના પહેલા યુવાનના નવાગામમાં હર્ષિલ નામના યુવાનના મોત મામલે કુવાડવા પોલીસે તટસ્થ તપાસ કરી હોત તો તેમના પરિવારે ન્યાય માટે ભટકવું પડત નહીં ત્યારે હવે લોકોને પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠવા લાગ્યા છે.