ભાયાવદર પોલીસ મથકમાં દારૂના ગુનામાં સંડોવાયેલા શખ્સની રિમાન્ડ દરમિયાન તબિયત લથડી
ઉપલેટાના ખીરસરા ગામે રહેતો યુવાન દારૂના ગુનામાં ભાયાવદર પોલીસ મથકમાં રિમાન્ડ ઉપર હતો તે દરમિયાન લીવર ઉપર સોજો આવી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ઉપલેટાના ખીરસરા ગામે રહેતાં કૈલાસ કાળાભાઈ ભારાઈ નામનો 29 વર્ષનો યુવાન દારૂના ગુનામાં સંડોવાતા ભાયાવદર પોલીસ દ્વારા ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યો હતો. દારૂના ગુનામાં રિમાન્ડ ઉપર રહેલા કૈલાસ ભારાઈને લીવર ઉપર સોજો આવી જતાં તાત્કાલીક સારવાર માટે ભાયાવદર, ઉપલેટા બાદ રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત બીજા બનાવમાં લીંબડી સબ જેલમાં કાચા કામના કેદી રઘુ જોગભાઈ સારીયા (ઉ.58)ને છાતીમાં દુ:ખાવો ઉપડતાં તાત્કાલીક સારવાર અર્થે સુરેન્દ્રનગર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
