કોર્પોરેશનમાં ધરણાં પર બેઠેલાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટરની તબિયત લથડી
અધિકારીઓ જનતાના પ્રતિનિધિઓને ગાંઠતા નહીં હોવાના કિસ્સાથી હાલાર સહિત રાજ્યભરમાં ખળભળાટ
વોર્ડની સમસ્યા અંગે રજુઆત કરવા જતા મુલાકાત નહીં આપી હોવાના આક્ષેપ: નગરસેવિકાને સારવારમાં ખસેડાયા
જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વહીવટી તંત્ર અને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચે સંકલનના અભાવ અને અધિકારીઓના કથિત અહંકારનો વધુ એક ચિંતાજનક કિસ્સો સામે આવ્યો છે, જેણે શહેરના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. શહેરના નાગરિકોને પડતી વિવિધ મુશ્કેલીઓના નિરાકરણ માટે રજૂઆત કરવા ગયેલા વોર્ડ નં. 4 ના કોંગ્રેસના કોર્પોરેટર રચનાબેન નંદાણીયાને મ્યુનિસિપલ કમિશ્નર ડી.એન. મોદીએ લાંબા સમય સુધી રાહ જોવડાવ્યા બાદ પણ મુલાકાત ન આપતા, આખરે નગરસેવિકાએ કમિશ્નર કચેરી બહાર જ ધરણા પર બેસવાની ફરજ પડી હતી. આ ઘટનાએ અધિકારીઓના પ્રજાના પ્રતિનિધિઓ અને પ્રજા પ્રત્યેના વલણ પર ગંભીર પ્રશ્નાર્થ ઊભા કર્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, જામનગર શહેરના એક વિસ્તારના કોર્પોરેટર રચનાબેન નંદાણીયા પોતાના વોર્ડના નાગરિકોને સ્પર્શતા અનેક તાત્કાલિક સુધારણા અને નિરાકરણ માગતા પ્રશ્નો અંગે મ્યુનિસિપલ કમિશ્નર ડી.એન. મોદીને રૂૂબરૂૂ મળી રજૂઆત કરવા માટે તેમના કાર્યાલયે પહોંચ્યા હતા. નાગરિકોના ચૂંટાયેલા પ્રતિનિધિ હોવા છતાં અને પ્રજાના પ્રશ્નોની ગંભીરતા હોવા છતાં, કમિશ્નર દ્વારા તેમને તાત્કાલિક મુલાકાતનો સમય આપવામાં આવ્યો ન હતો. કલાકો સુધી કોર્પોરેટરશ્રીને કમિશ્નર કચેરીની બહાર રાહ જોવડાવવામાં આવ્યા હતા.
લાંબા સમય સુધી રાહ જોયા બાદ અનેક વિનંતીઓ છતાં જ્યારે કમિશ્નર ડી.એન. મોદી કોર્પોરેટર રચનાબેન નંદાણીયાને મળવા માટે તૈયાર થયા નહિ અને ઉલટાનું, બપોરના ભોજન માટે નીકળતી વખતે તેમની બાજુમાંથી મોઢું ફેરવીને ચાલ્યા ગયા, ત્યારે નગરસેવિકા સ્તબ્ધ થઈ ગયા હતા.
પ્રજાના પ્રશ્નોની અવગણના અને જનપ્રતિનિધિ પ્રત્યેના કથિત અપમાનજનક વલણથી વ્યથિત થઈને, રચનાબેન નંદાણીયાએ તાત્કાલિક કમિશ્નર ડી.એન. મોદીના કાર્યાલયની બહાર જ ધરણા યોજી વિરોધ નોંધાવ્યો હતો.
આશ્ચર્યજનક અને દુ:ખદ બાબત એ છે કે, કોર્પોરેટર રચનાબેન નંદાણીયા કલાકો સુધી કમિશ્નર કચેરી બહાર ધરણા પર બેઠા રહ્યા હોવા છતાં, કમિશ્નર ડી.એન. મોદી દ્વારા તેમને મળવા કે તેમના પ્રશ્નો સાંભળવા માટે કોઈ જ તત્પરતા દર્શાવવામાં આવી ન હતી. આ ઘટનાએ સવાલ ઉઠાવ્યો છે કે જો શહેરના ચૂંટાયેલા જનપ્રતિનિધિને પ્રજાના પ્રશ્નોની રજૂઆત માટે મ્યુનિસિપલ કમિશ્નરને મળવા માટે ધરણા કરવા પડે અને રડવું પડે તેવી પરિસ્થિતિ સર્જાય, તો સામાન્ય નાગરિકોની સુખાકારી અને તેમના પ્રશ્નોના નિરાકરણની શી દશા થતી હશે?
બીજી તરફ કોર્પોરેટર રચનાબેન નંદાણીયા એ જ્યાં સુધી કમિશનર મુલાકાત ના આપે ત્યાં સુધી ત્યાં જ બેસી રહેવા નો નિર્ણય કર્યો હતો. જોકે, કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ હાર માની ન હતી. જી.જી. હોસ્પિટલમાં જરૂૂરી સારવાર લીધા બાદ અને તબિયતમાં થોડો સુધારો જણાતા, તેઓ ફરી એકવાર મોડી સાંજે મહાનગરપાલિકાની કચેરી ખાતે પહોંચ્યા હતા. આ વખતે તેઓ કમિશનર ડી.એન. મોદી સમક્ષ રૂૂબરૂૂ રજૂઆત કરવામાં સફળ રહ્યા હતા. તેમણે પોતાના મત વિસ્તાર, વોર્ડ નંબર ચાર, માં ત્રણ સિવીક સેન્ટર બનાવી આપવાની મુખ્ય માંગણી કમિશનર સમક્ષ રજૂ કરી હતી.
આ ઘટના અંગે મ્યુનિસિપલ કમિશ્નર ડી.એન. મોદી તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા પ્રાપ્ત થઈ નથી, પરંતુ કોર્પોરેટરના ધરણા અને તેમના પર મુકાયેલા ગંભીર આક્ષેપોએ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી કાર્યશૈલી અને પ્રજા પ્રત્યેની સંવેદનશીલતા પર મોટા પ્રશ્નાર્થ ઉભા કર્યા છે. આશા છે કે ઉચ્ચ અધિકારીઓ આ મામલે ધ્યાન આપી, વહીવટી તંત્રને પ્રજા અને તેમના પ્રતિનિધિઓ માટે વધુ સુલભ અને સંવેદનશીલ બનાવશે.