વરઘોડામાં ડી.જેના અવાજથી વરરાજાના મગજની નસ ફાટી ગઇ
મહિસાગર જિલ્લામાં ડીજેનો અવાજ ઘાતક બન્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ડીજેના અવાજથી વરરાજાના મગજની નસ ફાટી હોવાની ઘટના સામે આવી છે. વરરાજાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના માપપુર ગામમાં એક પરિવારમાં લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો. આ પ્રસંગે વરરાજાને ઘોડા પર બેસાડીને વરઘોડો કાઢવામાં આવ્યો હતો. આ વરઘોડામાં જાનૈયાઓ ડીજેના તાલે નાચતા હતાં. પરંતુ આ ખુશીના પ્રસંગમાં અચાનક અફરાતફરી મચી જવા પામી હતી. ડીજેના ભારે અવાજથી વરરાજાની મગજની નસ ફાટી જતાં લોકોમાં આક્રંદ જોવા મળ્યું હતું.
મહિસાગર જિલ્લામાં વધુ એક વ્યક્તિને ડીજેના અવાજની અસર થઈ છે. ડીજેના અવાજને કારણે વરરાજાએ હોશ ગુમાવી દીધા હતાં. એક સાથે ત્રણ જેટલા ડીજે વાગતા વરરાજા બેભાન થઈ ગયા હતાં. વરરાજા ઘોડા પર નીકળ્યા હતા તે જ સમયે તેમણે માનસિક સંતુલન ગુમાવ્યું હતું. ત્યારબાદ વરરાજાને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.