ગીર સોમનાથ-માંગરોળ બંદરો માછીમારોથી ધમધમ્યા
વેરાવળ બંદરે પ્રવેશ માટે 486, માંગરોળમાં 305 ટોકન ઇસ્યૂ કરાયા
સાગરખેડુઓનું 76 દિવસનું વેકેશન પૂર્ણ થતાં આજથી માછીમારી-બોટ- સાગરખેડુઓથી બંદરો ધમધમી ઉઠયા હતા. વેરાવળ ફીસરીઝ વિભાગના મત્સ્ય ઉદ્યોગ નિયામક વી.કે. ગોહીલ જણાવે છે કે સાંજના ચાર સુધીમાં 486 ટોકન ઇસ્યુ કરાયેલ છે. આ બધી પધ્ધતી ઓનલાઇન હોય છે.
વિશેષ અપીલમાં તેઓએ જણાવ્યું કે માછીમારોએ ભારતીય જળસીમામાં જ માછીમારી કરવી. આઇ.એમ.બી.માં તેમજ નોન ફીસીંગ ઝોનમાં માછીમારી કરવા જવું નહીં. જીવનરક્ષક સાધનો સાથે રાખવા તેમજ ટોકન મંજુરીમાં મંજુર કરાયેલ નામ-ઠામ-ફોટાવાળા ટંડેલ- ખલાસીઓને જ લઇ જવા જરૂરી દસ્તાવેજો-ડોકયુમેન્ટ સાથે રાખવા. વેરાવળ હસ્તક કુલ 7000 જેટલી બોટો છે. જેમાંના બંદરો વેરાવળ, ધામળેજ, સુત્રાપાડા, નવાબંદર મુખ્ય છે.મોટાભાગના સાગરખેડુઓ નાળીયેરી પુનમ પૂજા કરી પછી જ દરીયો ખેડવા જાય છે.
માંગરોળના ફીસરીઝ અધિકારી મયુરીબહેન કહે છે બપોરના ત્રણ વાગ્યા સુધીમાં કુલ 305 ટોકન ઇસ્યુ થયા છે.માંગરોળ- જુનાગઢ જિલ્લામાં આવે છે જેના હસ્તક 4100 બોટો છે અને ચાર બંદરો છે. જેમાં માંગરોળ, શીલ, ચોરવાડ, શેરીયાજ બારાનો સમાવેશ થાય છે. મોટાભાગના નાળીયેરી પૂર્ણિમા પછી જ સાગર માછીમારી કરવા જાય છે તે પરંપરા છે. ચોમાસાના કારણે દર વરસે તા.1 જુનથી 31 જુલાઇ બે માસ દરિયાઇ માછીમારી ઉપર કાનુની પ્રતિબંધ હોય છે. જે ચાલુ વરસે તા.15-8-24 સુધી લંબાવાતા કુલ 76 દિવસનું વેકેશન કે પ્રતિબંધ રહ્યું હતું.સીઝન ધમધધતા બંદરો ઉપર રીક્ષા- માલવાહકો- ચા-પાણી હોટલો બોટ રીપેરીંગ કારીગરો- બરફ કારખાના સર્વત્ર દિવાળી આગમન જેવું સ્મિત આનંદ રેલાયો હતો.