લોકમેળામાં ફરી SOPનું ભૂત ધૂણ્યું, રાઇડ્સ ચકડોળે ચડી!
હાલના કડક નિયમો હળવા કરી જૂની પદ્ધતિ અનુસાર રાઇડસ ઉભી કરવા દેવા માગણી: નહીંતર મેળાનો બહિષ્કાર કરવાની ચિમકી
સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં આયોજિત થનારા સુપ્રસિદ્ધ જન્માષ્ટમી લોકમેળાને લઈને આયોજકો અને જિલ્લા વહીવટી તંત્ર વચ્ચે એક નવો વિવાદ સર્જાયો છે. આ વિવાદનું મૂળ લોકમેળામાં રાઈડ્સ સ્થાપિત કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લાગુ કરવામાં આવેલી કડક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) છે, જેનો રાઈડ્સ સંચાલકો દ્વારા સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. સંચાલકોએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે જો SOPનું કડક પાલન કરાવવામાં આવશે તો લોકમેળાનો બહિષ્કાર કરવમાં આવશે.
રાઈડ્સ સંચાલકોના મુખ્ય વાંધા SOPમાં નિર્ધારિત કેટલાક નવા નિયમો સામે છે. તેમાં સૌથી મોટો વાંધો ફાઉન્ડેશન ભરી રાઈડ્સ ફિટ કરવાના નિયમ પર છે. સંચાલકો દલીલ કરી રહ્યા છે કે, મોટી અને ઊંચી રાઈડ્સના ફાઉન્ડેશન બનાવવામાં 15 થી 20 દિવસ લાગે છે. આટલા દિવસ અગાઉ તેમને મેળા માટે ગ્રાઉન્ડ મળી શકતું નથી, અને ખાનગી ગ્રાઉન્ડમાં આવા ફાઉન્ડેશન બનાવવા પણ દેવામાં આવતા નથી. તેઓ સૂચવે છે કે જૂની પદ્ધતિ મુજબ વુડન બ્લોકથી ફાઉન્ડેશન રાખવાની મંજૂરી આપવી જોઈએ, કારણ કે ભૂતકાળમાં વુડન બ્લોક ફાઉન્ડેશનવાળી રાઈડ્સમાં કોઈ ખામી કે અકસ્માત થયો નથી.
નાના શહેરો કે ધાર્મિક સ્થળોએ ચાર્ટર્ડ એન્જિનિયર ઉપલબ્ધ હોતા નથી, અને આવા પ્રમાણપત્રની જરૂૂર પણ નથી. સંચાલકો દાવો કરે છે કે તેના બદલે રાઈડ્સ ધારક પાસેથી લેખિત બાંહેધરી લઈને મંજૂરી આપવી જોઈએ.મોટાભાગની રાઈડ્સ એસેમ્બલ્ડ હોય છે, તેથી કંપનીના બિલ કે ડ્રોઈંગ ઉપલબ્ધ હોતા નથી. આ કિસ્સામાં રાઈડ્સ ધારક કે આયોજકની લેખિત બાંહેધરી લઈને મંજૂરી આપવાની માગણી કરવામાં આવી છે. ઘણી રાઈડ્સ 12 થી 15 વર્ષ જૂની છે અને GST લાગુ થતા પહેલાની છે, જેના કારણે GST વાળા બિલ ઉપલબ્ધ નથી.
રાઈડ્સ ચલાવવાની કોઈ વિશેષ શાળા કે સંસ્થા ન હોવાથી ફિટનેસ પ્રમાણપત્ર મેળવવું મુશ્કેલ છે. રાઈડ્સના માલિક કે આયોજક પાસેથી ચલાવનારનું પ્રમાણપત્ર મેળવીને તેને માન્ય રાખવાની વિનંતી કરવામાં આવી છે. સંચાલકોનું કહેવું છે કે ટેમ્પરરી મેળામાં રાઈડ્સના ખોલ-ફિટિંગ સમયે રિપેરિંગ અને કલરકામ થતું જ હોય છે,
અને કોઈ સ્પેર પાર્ટ્સ ખરાબ થાય તો તેને તરત બદલવામાં આવે છે. આ રીતે જાળવણી કરવાથી રાઈડ્સ 25 થી 30 વર્ષ સુધી ચાલી શકે છે. રાજકોટના લોકમેળામાં જ કડક SOPનું પાલન શા માટે?
ગુજરાત એમ્યુઝમેન્ટ એસોસિએશન દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લખેલા પત્રમાં જણાવાયું છે કે, હંગામી (ટેમ્પરરી) મેળામાં જૂની પદ્ધતિ કે નિયમોનુસાર રાઈડ્સ ઊભી કરવામાં આવે ત્યારે કાર્યપાલક ઈજનેર (યાંત્રિક) દ્વારા રૂૂબરૂૂ રાઈડ્સની ચકાસણી કરી પછી ફિટનેસ પ્રમાણપત્ર આપવામાં આવતું હતું.
તેઓ આ પદ્ધતિ-નિયમો યથાવત રાખી યોગ્ય કરવા નમ્ર વિનંતી કરી રહ્યા છે. એસોસિએશને એવી પણ રજૂઆત કરી છે કે, રાઈડ્સ ધારકો અને આયોજકો મોટે ભાગે 80 થી 90 ટકા અભણ અથવા નિરક્ષર હોય છે, અને તેઓ ઉપરોક્ત પ્રક્રિયા પૂરી કરી શકતા નથી કે દસ્તાવેજો રજૂ કરી શકતા નથી.
રાજકોટના જન્માષ્ટમી લોકમેળાને લઈને ચાલી રહેલા આ વિવાદનો ઉકેલ ક્યારે આવશે અને રાઈડ્સ સંચાલકો મેળામાં ભાગ લેશે કે કેમ, તે જોવું રહ્યું. જિલ્લા વહીવટી તંત્ર અને રાઈડ્સ સંચાલકો વચ્ચે સમાધાન થાય તે જરૂૂરી છે, જેથી રાજકોટના લાખો લોકો આ વર્ષે પણ પરંપરાગત લોકમેળાનો આનંદ માણી શકે.
સરકારી નિયમોમાં કોઇ બાંધછોડ નહીં, રાઇડ્સ સંચાલકો સાથે બેસીને ચર્ચા કરાશે: કેલક્ટર
લોકમેળામાં સર્જાયેલ રાઇડ્સની એસ.ઓ.પી.ના પ્રશ્ર્ને સર્જાયેલ વિવાદ અંગે જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીએ જણાવ્યુ હતુ કે, લોકમેળામાં સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર (એસઓપી)માં કોઇ બાંધ છોડ કરવામાં આવશે નહીં, સરકારે જે નિયાો બાનવ્યા હોય તેનુ પાલન કરવાનું રહેશ. ગતવર્ષે પણ અમે કોઇ બાંધછોડ કરી ન હતી. બીજા જિલ્લાઓના મેળોઓ છે. જે વગર મંજૂરીએ હતા તે બંધ રહ્યા હતા. તેમા સરકારના નિયમો બદલી શકાતા નથી. આ વર્ષે અમે રાઇડ્સ સંચાલકો સાથે બેસીને પ્રી-બીડ મીટીંગનું આયોજન કર્યુ છે. જેમાં તેમને નિયમો સમજાવવામાં આવશે, માર્ગદર્શન આપવામાં આવશે જેથી કઇ રીતે ફોર્મ ભરી શકે તેમની કોઇ ગેરસમજ હોય તો દૂર કરવાના પ્રયાસો કરવામાં આવશે. રાઇડ્સ વગરના મેળાની પરીસ્થિતી સર્જાશે નહીં આપણે આશા રાખીએ કે, રાજકોટનો મેળો સારી રીતે અને લોકો માણી શકે તે રીતે જ યોજાય
દરેક શહેરોમાં અલગ નિયમ
રાઈડ્સ સંચાલકોનો મુખ્ય પ્રશ્ન એ છે કે, સુરત સહિત રાજ્યના અન્ય શહેરોમાં ચાલી રહેલા ઉનાળુ વેકેશન મેળામાં SOPના નિયમો અલગ છે અથવા તેનું કડક પાલન કરાવવામાં આવતું નથી, તો પછી રાજકોટના લોકમેળામાં જ આટલું કડક SOPનું પાલન શા માટે કરાવવામાં આવી રહ્યું છે? તેઓ તેને ભેદભાવપૂર્ણ નીતિ ગણાવી રહ્યા છે. ભૂતકાળમાં રાજકોટ શહેરમાં બનેલા ટી.આર.પી. ગેમ ઝોનના અકસ્માતને કારણે હંગામી મેળાના આયોજન માટે અત્યંત કડક પ્રક્રિયા અને દસ્તાવેજો મંગાવવામાં આવી રહ્યા છે, જે રાઈડ્સ ધારકો કે આયોજકો માટે અશક્ય જેવા છે.