ભાવનગરમાં સરાજાહેર યુવાનને ઢોર માર મારનાર બે ટપોરીઓનો વરઘોડો નીકળ્યો
ભાવનગર શહેરના ડોન વિસ્તારમાં વેપારી યુવાનને ઢોર મારનાર બંને માથાભારે શખ્સોને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લઇ બરાબર સરભરા કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.
ભાવનગરમાં માથાભારે શખ્સો માથુ ઉંચકતા જાય છે ત્યારે ગુનેગારો પર ધાક બેસાડવા ભાવનગર પોલીસ પણ સક્રિય બની છે અને જુદાજુદા બનાવોમાં ગુનેગારોનો જાહેરમાં વરઘોડો કાઢી તે વિસ્તારમાં ફેરવ્યા હતા. ડોન ચોકમાં રાત્રે વેપારી પર હુમલાના કેસમાં બન્ને આરોપીઓને પકડી પોલીસે આ વિસ્તારમાં ફેરવ્યા હતા.
ભાવનગરમાં મંડપ સર્વિસના વ્યવસાય સાથે સંકળાયેલા પિયુષભાઇ ઇશ્વરભાઇ લશ્કરી (રહે.આંબાવાડી) રાત્રે તેમની કાર લઇને પસાર થઇ રહ્યાં હતા ત્યારે ડોન ચોક પાસે પુર ઝડપે ધસી આવેલા એક્ટીવા ચાલકે કાર સાથે તેનું વ્હીક અથડાવ્યું હતું. અકસ્માતના કારણે એક્ટીવા સવાર બન્ને શખ્સ રોડ પર પડી જતાં ફરિયાદી કારમાથી નીચે ઉતર્યા હતા અને તેમણે બન્ને વ્યક્તિને ઉભા કરતા આ બન્ને શખ્સે ફરિયાદી સાથે ઝઘડો કર્યો હતો. બન્ને શખ્સે ગાડી જોઇને કેમ નથી ચલાવતો તેમ કહી ફરિયાદીને ધોલધપાટ કરી હતી અને ગાળો આપી હતી તેમજ અમે જોઇ લઇશુ, અમે કોણ છીએ તેની તને નથી ખબર તેમ કહી બેલ્ટથી માર મારતા પિયુષભાઇને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી.
પોલીસે આ બનાવ અંગે તપાસ હાથ ધરી ઇનાયત ઉર્ફે ટોલો યુનુસભાઇ ડેરૈયા અને સિદ્ધાર્થ ઉર્ફે બાજીગર ઘનશ્યામભાઇ ચૌહાણ નામના બન્ને શખ્સને ઝડપી લીધા હતા અને ઘોઘારોડ પીઆઇ એ.એન.દેસાઇ સહિતનો કાફલો આરોપીઓને લઇને ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને બનાવનું રિક્ધસ્ટ્રકશન કરતા લોકોના ટોળા ભેગા થયા હતા. પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશનનો પણ ગુનો દાખલ કર્યો હતો.