For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

છારાગેંગે 20 કિલો સોનાની ચોરીનો પ્લાન બનાવ્યો તો

04:05 PM Nov 21, 2024 IST | Bhumika
છારાગેંગે 20 કિલો સોનાની ચોરીનો પ્લાન બનાવ્યો તો
Advertisement

ટોળકીના એક સાગરીતનો મુંબઈ કોર્ટમાંથી કબજો લેવાશે

રાજકોટ, અમદાવાદ અને મુંબઈ જેવા મેટ્રોસિટીમાં ચોરી કરતી ગેંગની રિમાન્ડમાં વધુ ગુનાના ભેદ ઉકેલાશે

Advertisement

રાજકોટમાં ડેકી તોડીને ચોરી કરતી છારા ગેંગના બે સાગરીતોને ક્રાઈમ બ્રાંચે ઝડપી લઈ રાજકોટના ત્રણ ઉપરાંત બે મુંબઈ અને એક વલસાડ અને દિલ્હીના ચોરીના ભેદ ઉકેલી નાખ્યા છે. રાજકોટમાં ત્રણ સ્થળોએ ડેકી તોડીને ચોરી કરનાર આ છારા ગેંગના સાગરીતો પાસેથી રૂા. 6.5 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો છે. ક્રાઈમ બ્રાંચની તપાસમાં કેટલીક ચોંકાવનારી માહિતી સામે આવી છે. જેમાં રાજકોટમાં ડેકી તોડીને ચોરી કરનાર આ ટોળકીના બે સભ્યો પકડાયા તે પૂર્વે આ ટોળકીએ અમદાવાદમાંથી 20 કિલો સોનુ ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો.

અને તેની રેકી પણ કરી હતી. શહેરના માલવિયાનગર પોલીસ મથક અને આજીડેમ પોલીસ મથકમાં કુલ ત્રણ ગુના નોંધાયા હોય આ છારા ગેંગને પકડવા માટે ક્રાઈમ બ્રાંચ છેલ્લા 10 દિવસથી મહેનત કરતી હતી અને આ ટોળકીને પકડવામાં ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ એ.એન. પરમાર અને પીએસઆઈ એમ.કે. મોવલિયાની ટીમને સફળતા મળી છે. છારા ગેંગના સભ્યો અમદાવાદના કુબેર નગર મહાકાળી મંદિરની બાજુમાં રહેતા મનીષ ઉર્ફે મનોજ કનૈયાલાલ સેવાણી ઉ.વ.44 અને અમદાવાદના નરોડામાં છારા નગરમાં રહેતા ચંદ્રકાંત ઉર્ફે સોનું જયંતિભાઈ પરમાર ઉ.વ.48ની ધરપકડ કરી રાજકોટમાં ત્રણ ઉપરાંત વલસાડ, મુંબઈ અને દિલ્હીના ચોરીના ભેદ ઉકેલી નાખ્યા છે. કુલ સાત ગુનાના ભેદ ઉકેલાયા છે. આ ટોળકીના અન્ય બે સભ્યો છારા નગરના પંકજ કુમાર જવાહર રાઠોડ અને વિશાલ ગારંગીનું નામ ખુલતા તેમની ધરપકડ માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. જેમાં પંકજ હાલ મુંબઈ જેલમાં હોય તેનો ટ્રાન્સપર વોરન્ટથી કબ્જો લેવામાં આવશે.

આ ટોળકી રાજકોટ, અમદાવાદ, સુરત અને મુંબઈ જેવા મેટ્રોસીટીને જ નિશાન બનાવતી હતી. મોટાભાગે આંગડિયા પેઢીની ઓફિસ કે દુકાનો આજુબાજુ રેકી કરતી હતી અને કોઈ પોતાનું ટુ વ્હીલ વાહન પાર્ક કરીને જાય કે તુરંત જ પોતાની પાસે રાખતા ટી-સાધનથી ડેકીનું લોક તોડી રૂપિયા ચોરી લેતા હતાં. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, પકડાયેલ મનીષની પુત્રી હાલ અમદાવાદની એક નામાંકીત હોસ્પિટલમાં તબીબ તરીકે ફરજ બજાવે છે ત્યારે પુત્રને આઈપીએસ બનાવા માટેનું સપનું તેણે જોઈ રાખ્યું છે.

રાજકોટમાં ડેકી તોડીને ચોરી કરનાર આ ટોળકીએ અમદાવાદમાં 20 કિલો સોનું ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો અને તેની રેકી પણ કરી હતી. પકડાયેલા આ છારા ગેંગના સભ્યો સામે ગુજરાત સહિત આંતરરાજ્યમાં 45થી વધુ ગુનાઓ નોંધાયેલ છે. સુત્રધાર મનિષ સામે 41 ગુના જ્યારે ચંદ્રકાંત સામે પાંચ ગુના નોંધાયેલા છે. આ ટોળકીએ મુંબઈમાં ચોરી કરી ત્યારે પંકજ રાઠોડ રંગેહાથ પકડાઈ ગયો હતો. જ્યારે મનીષ અને ચંદ્રકાંત વિશાલ ત્યાંથી ભાગી છૂટ્યા હતાં. હાલ મુંબઈ જેલમાં રહેલા પંકજનો કબ્જો રાજકોટ પોલીસ લેશે આ અંગેની તપાસ હાલ માલવિયાગનર પોલીસ ચલાવી રહી છે. જેમાં પકડાયેલ બન્નેના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવશે. પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા તથા અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયાની સુચના અને ડીસીપી ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ એસીપી ભરત બી બસિયાની સુચનાથી ક્રાઈમ બ્રાંચના પીઆઈ એમ.આર. ગોંડલિયા, પીઆઈ એમ.એલ. ડામોર તથા પીએસઆઈ એ.એન. પરમાર, પીએસઆઈ એમ.કે. મોવલિયા, પીએસઆઈ વી.ડી. ડોડિયા અને તેમની ટીમે ટોળકીને પકડવામાં કામગીરી કરી હતી.

ચોટીલા પાસેની એક હોટલમાં રોકાણ કરનાર ટોળકીની ઓળખ થઈ હતી
પકડાયેલ બન્ને શખ્સોએ પોલીસ તપાસમાં જણાવ્યું કે, મોટા શહેરોમાં ચોરી કરી આ ટોળકી ચોરી કર્યા બાદ નાના ગામમાં રોકાણ કરતી હતી. અમદાવાદથી મોટર સાયકલ લઈને રાજકોટ ચોરી કરવા આવેલ આ ટોળકીએ અગાઉ વીરપુરમાં રોકાણ કર્યા બાદ જૂનાગઢ, ફરવા ચાલ્યા ગયા હતા અને ત્યાર બાદ થોડા સમય પછી રાજકોટ આવીને માલવિયાનગર વિસ્તારમાં ચોરીને અંજામ આપ્યા બાદ આ ટોળકી રાજકોટ-અમદાવાદ હાઈવે પર એક હોટલમાં રોકાણ કર્યુ હતું. ક્રાઈમ બ્રાચની ટીમને આ ટોળકીએ કરેલા રોકાણ અંગેની માહિતી મળ્યા બાદ આબન્ને સ્થળે સીસીટીવી ફૂટેજમાં આ ટોળકીની ઓળખ થઈ હતી અને અંતે તેને ઝડપી પાડી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement