ડાંગર કોલેજના BHMSના વિદ્યાર્થીઓનું ભવિષ્ય વેન્ટિલેટર પર
મંજૂરી નહીં હોવા છતાં 2018માં પ્રવેશ આપ્યાનો આક્ષેપ: પ્રોવિઝનલ ડિગ્રી આપી, સરકાના પોર્ટલમાં ફાઇનલ યાદીમાં કોલેજનું નામ જ નથી
યુનિવર્સિટી, કલેકટર, સરકારમાં ન્યાય માટે છેલ્લા 10 મહિનાથી ધક્કા ખાતા વિદ્યાર્થીઓ, ટ્રસ્ટી ઉડાવ જવાબ આપતા હોવાનો આક્ષેપ
રાજકોટ-જામનગર હાઇ-વે પ પરા પીપળીયા ગામના પાટીયા નજીક આવેલ ડાંગર હોમિયોપેથીક મેડીકલ કોલેજના બીએચએમએસના વિદ્યાર્થીઓનું ભવિષ્ય હાલ વેન્ટીલેટર પર હોવાનો ઘાટ સર્જાયો છે. માન્યતા નહીં હોવા છતાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપી અને કારકિર્દી સાથે ચેડા કરવામાં આવ્યા હોવાના આક્ષેપ છાત્રો દ્વારા કરવામાં આવ્યા છે.
આ અંગે વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે કોલેજની માન્યતા નહીં હોવા છતાં 2018માં 50થી વધારે વિદ્યાર્થીઓને બીએચએમએસમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. જેમાં અભ્યાસ પૂર્ણ થતા યુનિવર્સિટી દ્વારા પ્રોવીઝનલ ડિગ્રી આપવામાં આવી હતી.પરંતુ અમદાવાદ ખાતે બહાર પડતી યાદીમાં કોલેજનું નામ નહીં હોવાથી વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા હતા અને તેમની સાથે છેતરપીંડી કરવામાં આવી હોવાનો અહેસાસ થતા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવી હતી.વધુમાં વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે આ બાબતે છેલ્લા 10 મહીનાથી કોલેજના ધક્કા ખાઇએ છીએ અને ડિગ્રી માટે રજુઆત કરીએ છીએ ટ્રસ્ટી દ્વારા પણ ઉડાવ જવાબ આપવાાં આવી રહ્યા છે.
આ કેસ હાઇકોર્ટમાં હોવાનું દર વખતે જણાવાય છે પરંતુ હાઇકોર્ટમાંથી શું જવાબ આપવામાં આવ્યો તે જણાવતા નથી અને હજુ સુધી હાઇકોર્ટમાં બોર્ડ ઉપર આ કેસ પણ આવ્યો નથી.આ બાબતે અગાઉ કલેકટરને રજુઆત કરી હતી ત્યારે કલેકટરને મળવા દીધા હતા નહીં અને અન્ય અધિકારીને રજુઆત કરવી પડી હતી જયારે કલેકટર તંત્ર પાસેથી પણ અનઅપેક્ષીત જવાબ મળ્યો હતો અને અમારી પાસે નહી પણ યુનિવર્સિટી પાસે મોકલ્યા હતા. જયારે યુનિવર્સિટીમાં રજુઆત કરી ત્યારે યુનિવર્સિટીએ પણ જવાબદારીમાંથી છટકી ડિગ્રી આપી દીધી તેવો જવાબ આપ્યો હતો. હાલ ઓરિજનલ ડિગ્રી વગર અમે મુશ્કેલીમાં મુકાય ગયા હોવાનો અહેસાસ થઇ રહ્યો હોવાનું છાત્રોએ જણાવ્યું હતું.
હવે અમે થાકી ગયા છીએ અમને ન્યાય આપો: વિદ્યાર્થીઓ
અમે છેલ્લા 10 મહિનાથી યુનિવર્સિટી, કલેકટર, કોલેજ અને સરકારનાં શિક્ષણ વિભાગ સુધી ધકકા ખાઇ રહયા છે કયાંથી પણ અમને યોગ્ય અને નયાયીક જવાબ મળતો નથી અમે થાકી ગયા છીએ. અમારી પાસે ઉચ્ચકક્ષાની લાગવગ નહી હોવાથી અમને ન્યાય મળતો નથી કે અમને સાંભળવામા આવતા નથી. અમારે હવે ન્યાય જોઇએ છીએ અમારા ભવિષ્યનો સવાલ છે તેમ છાત્રોએ હૈયાવરાળ ઠાલવી હતી.
દર વર્ષે આવતું ઇન્સ્પેકશન ટીમના પણ આંખ આડા કાન
વિધાર્થીઓએ જણાવ્યુ હતુ કે કોલેજમા દર વર્ષ ઇન્સ્પેકશન આવતુ હોય છે અને તેમા કોલેજનાં અભ્યાસથી લઇ અને સુવિધા અંગે ચકાસણી કરવામા આવે છે ત્યારબાદ કોલેજને માન્યતા આપવામા આવે છે 2018 થી માન્યતા નહી હોવા છતા ઇન્સ્પેકશન ટીમનાં ધ્યાનમા શુ આ બાબત નહી આવી હોય, શું ટીમ દ્વારા આંખ આડા કાન કરવામા આવ્યા છે ?