વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા નરસીભાઈની અંતિમયાત્રા નીકળી
રાજકોટના રહેવાસીનો પાર્થિવ દેહ એક અઠવાડિયા બાદ ઘરે પહોંચ્યો, સ્મશાનયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા
અમદાવાદમાં બનેલી દુખદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં રાજકોટના ત્રણ વ્યક્તિઓ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂૂપાણી, નરશીભાઈ સગપરિયા અને મુક્તાબેન ડાંગરનું મૃત્યુ થયું હતું. જેમાં 63 વર્ષીય નરશીભાઈ, નિવૃત્ત રિયલ એસ્ટેટ વ્યવસાયી, લંડનમાં ફેશન ડિઝાઈનનો અભ્યાસ કરતી દીકરી ગ્રેસીના કોન્વોકેશન માટે જઈ રહ્યા હતા. એક અઠવાડિયા બાદ તેમનો પાર્થિવ દેહ રાજકોટના રૂૂડાનગર-1 સ્થિત ઘરે પહોંચતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઈ હતી.
એક અઠવાડિયા બાદ નરશીભાઈ સગપરિયાનો પાર્થિવ દેહ તેમના ઘરે પહોંચતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પરિવારજનો ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યાં હતા.
63 વર્ષીય નરશીભાઈ સગપરિયા રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે જોડાયેલા હતા અને હાલ નિવૃત્ત જીવન જીવી રહ્યા હતા. તેમની પત્ની શીતલબેન અને સંતાનોમાં બે દીકરીઓ તેમજ એક દીકરો નીવનો સમાવેશ થાય છે. તેમની દીકરી ગ્રેસી લંડનમાં ફેશન ડિઝાઈનનો અભ્યાસ કરી રહી હતી, નરશીભાઈ તેના કોન્વોકેશન સમારંભમાં ભાગ લેવા માટે લંડન જઈ રહ્યા હતા. પરંતુ આ દુર્ઘટનાએ તેમની આશાઓ પર પાણી ફેરવી દીધું.
નરશીભાઈને અમદાવાદ એરપોર્ટ સુધી મૂકવા તેમનો દીકરો નીવ ગયો હતો. સવારે 4 વાગ્યે રાજકોટથી નીકળીને નરશીભાઈએ અમદાવાદથી લંડન જતી ફ્લાઈટ પકડી હતી. નીવ પોતાના પિતાને એરપોર્ટ પર મૂકીને પાછો ફરી રહ્યો હતો અને લીંબડી પહોંચ્યો ત્યાં જ તેને પ્લેન ક્રેશના દુખદ સમાચાર મળ્યા. તરત જ નીવ અમદાવાદ પાછો ગયો અને ત્યાં DNA નમૂના આપ્યા. આ ઘટનાએ સમગ્ર પરિવારને હચમચાવી દીધો.
આજે નરશીભાઈનો પાર્થિવ દેહ તેમના રાજકોટના નિવાસસ્થાને લાવવામાં આવ્યો, જ્યાંથી મોટા મવા સ્મશાન સુધી તેમની અંતિમ યાત્રા નીકળી. દીકરા નીવે જણાવ્યું, મારા પિતા પહેલીવાર લંડન જઈ રહ્યા હતા. મારા માતા પણ સાથે જવાના હતા, પરંતુ તેમનો વિઝા રિજેક્ટ થયો હતો. નીવ કોઠારીયામાં ફેક્ટરી ચલાવે છે અને પરિવાર સાથે રાજકોટના કાલાવડ રોડ પર રૂૂડાનગર-1માં રહે છે. આ આકસ્મિક દુર્ઘટનાએ પરિવારને શોકમાં ડૂબાડી દીધો છે.