વિમાન દુર્ઘટનામાં મોતને ભેટેલ મુક્તાબેન ડાંગરની અંતિમયાત્રા નીકળી
ડીએનએ રિપોર્ટ આવી જતા પાર્થિવ દેહ અમદાવાદથી રાજકોટ લાવવામાં આવ્યો
અમદાવાદમાં ગત તા.12ના રોજ સર્જાયેલ વિમાન દુર્ઘટનામાં મોતને ભેટેલા રાજકોટના મહીલાના ડીએનએ મેચ થતા આજે વહેલી સવારે તેમના પરિવારને સોંપવામાં આવ્યા બાદ બપોરે મૃતદેહ રાજકોટ આવી પહોંચ્યો હતો. બપોરે મૃતકના નિવાસેથી નીકળેલી અંતિમ યાત્રામાં ભારે કરૂણાસભર દ્રશ્યો સર્જાયા હતા.
અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં રાજકોટના ત્રણ લોકોના મૃત્યુ થયા છે... આ ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂૂપાણી, નરશીભાઈ સગપરિયા અને મુક્તાબેન ડાંગરના મૃત્યુ થયા હતા. આજે મુક્તાબેનનો પાર્થિવદેહ આજે રાજકોટ પહોંચ્યો હતો અને તેમની અંતિમયાત્રા તેમના નિવાસસ્થાન જામનગર રોડ ખાતેથી નીકળી હતી.
મૃતક મુકતાબેનના ભાઇ કરણભાઈ રાઠોડે કહ્યું કે 12 તારીખે આ ઘટના બની તેના બીજા દિવસે એટલે 13 તારીખથી અમદાવાદમાં હતાં.ત્યાં એવું કહેવામાં આવ્યું હતું કે ડીએનએ મેચ થયા બાદ તમને ફોન આવશે.જેથી અમને ગઈકાલે રાતે અમને કોલ આવ્યો હતો.સરકાર દ્વારા બોડીને ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.
તેમણે જણાવેલ કે અમારા પરિવારમાંથી મૃતકની દિકરીનું ડીએનએ લેવામાં આવ્યું હતું.મૃતક મુક્તાબેનનો પુત્ર અને પુત્રવધુ અને પૌત્ર-પૌત્રી લંડનમાં હતા.જેથી તેઓ તેમને મળવા જતાં હતાં.દિકરાએ લંડનમાં પોતાનું ઘર લીધુ હતું.. જેથી તેઓ દિકરાના ઘરે જતા હતા. મૃતક મુક્તાબેન રાજકોટમાં એકલા જ રહેતા હતા.
મહત્વનું છે કે મુક્તાબેન લંડન રહેતા પોતાના સંતાન મયુરભાઈને ત્યાં રોકાવવા માટે જતા હતા. રાજકોટના ભૂતપૂર્વ કોર્પોરેટર દિવંગત મનુભાઈ રાઠોડના બહેન અને શહેરની ગરૈયા કોલેજના સંચાલક વનરાજભાઈ ગરૈયાના માસી મુક્તાબેનના નિધનથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. મુક્તાબેનના પરિવારમાં એક પુત્ર અને બે પુત્રીઓ છે. તેમનો પુત્ર મયુર, તેમની પુત્રવધૂ આશાબેન, પૌત્ર વરુણ અને પૌત્રી બંસરી લંડન રહે છે. જ્યારે મુક્તાબેનની બંને દીકરીઓ રચનાબેન અને મીનલબેન સાસરે છે. ત્યારે આજે મુક્તાબેનનો પાર્થિવદેહ રાજકોટ આવી પહોંચતા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, હજુ રાજકોટના રૂડાનગરમાં રહેતા નરશીભાઇ સગપરીયાના ડીએનએ ટેસ્ટનો રિપોર્ટ આવવાનો બાકી હોવાથી તેમના મૃતદેહની સોંપણી થઇ નથી.