સ્મશાનયાત્રા થાંભલાના પુલ પરથી કાઢવી પડી
ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદની બગલમાં આવેલા સાણંદની ઘટના
ગુજરાત મોડલ અને વિકાસની વાતો દેશભરમાં ચર્ચાય છે. ત્યારે વિકસિત ગુજરાતમાં એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદની બગલમાં જ આવેલ સાણંદમાં વિકાસ વાતો જાણે કહેવા પૂરતી હોય તેમ લાગી રહ્યું છે. કેમકે સાણંદ તાલુકાના જુવાલ ગામમાં લોકોને સ્મશાન યાત્રા કોઈ રસ્તા કે કેનાલના બ્રીજના બદલે વીજળીના થાંભલા પર લઈ જવાની નોબત આવી રહી છે.
વાત જાણે એમ છે કે, સાણંદ તાલુકા જુવાલ ગામમાં રહેતા વાલ્મિકી સમાજના બારૈયા સુરેશભાઈ કાળાભાઈ સોમવારે મૃત્યુ પામ્યા હતા. જે બાદ તેમની સ્મશાન યાત્રા ગ્રામજનો કાઢવામાં આવી હતી. આ સ્મશાન યાત્રામાં જોડાયેલા લોકોને સ્મશાન સુધી જવા અનેક યાતનાઓ સહન કરવી પડી હતી. એક તો સ્મશાન તરફનો રસ્તો ન હોવાને કારણે કાદવ કીચડમાંથી શબ સાથે જવું પડ્યું હતું. ગ્રામજનોને જીવના જોખમે રસ્તાને બદલે વીજળીના થાંભલા ઉપરથી સ્મશાન યાત્રા લોકોને ગામના સ્મશાન સુધી લઈ જવી પડી હતી.
આ બાબતે જુવાલ ગામનાં લોકોનું કહેવું છે કે, આ સમસ્યા આજકાલની છેલ્લા સાત આઠ વર્ષથી આ રીતે રસ્તા પર રાખેલા વીજળીના થાંભલા પરથી મૃત્યુ પામેલા લોકોની અર્થીને લઈ અંતિમવિધિ કરવા માટે જવું પડે છે. આ બાબતે અનેકવાર તંત્રને રજૂઆત કરી છે છતાં કોઈ ધ્યાન આપવામાં આવતું નથી.
જણાવી દઈએ કે, જે જગ્યા પર થાંભલાનો રસ્તો બનાવવામાં આવેલો છે ત્યાં નાળું મંજૂર થયેલું છે. પરંતુ હજુસુધી તંત્ર દ્વારા નાળું બનાવવામાં આવ્યું નથી.શિયાળો, ઉનાળો હોય કે ચોમાસુ દરેક ઋતુમાં આ રીતે જ અર્થી લઈ અંતિમવિધિ કરવા જવું પડે છે.