કોમ્યુનિટી હોલ માટે ખોદકામ કરતા અનેક મકાનોના પાયા હચમચ્યા
રેલનગર રામેશ્ર્વર પાર્કમાં કોમ્યુનિટી હોલ માટે ખોદકામ શરૂ કર્યા બાદ કાનૂની અડચણ ઉભી થતાં પ્રોજેક્ટ સ્થગિત કરી ખાડા ખુલ્લા મુકી દેવાતા સ્થાનિકોમાં દેકારો
મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રોજેક્ટ હાથ ધરાય ત્યારેબાંધકામ પહેલા સ્થળ ઉપર સોલટેસ્ટીંગ અને આજુબાજુમાં વસવાટ કરતા લોકોનો અભિપ્રાય તેમજ સોસાયટીઓ અને વિસ્તારનો સર્વે કરી કામ ચાલુ કરવામાં આવતું હોય છે. પરંતુ થોડા સમય પહેલા કોમ્યુનિટિ હોલને મંજુરી મળ્યા બાદ તમામ પ્રક્રિયા પૂર્ણ કરી ખોદકામ શરૂ કરવામાં આવેલ જેમાં કાનુની અડચણ ઉભી થતાં હાલ આ પ્રોજેક્ટ અધ્ધરતાલ છે. ત્યારે અડધુ ખોદકામ થઈ ગયા બાદ માટી ખરવાનું ચાલુ રહેતા આજુબાજુની સોસાયટીઓના મકાનોના પાયાઓ દેખાવા લાગતા એક સાથે અને ક લોકોએ ફરિયાદો નોંધાવતા બાંધકામ વિભાગ તેમજ ડે. ઈજનેર સહિતનાઓ સાઈટ ઉપર દોડી ગયાનું જાણવા મળેલ છે.
મહાનગરપાલિકા દ્વારા રેલનગર વિસ્તારમાં આવેલ રામેશ્ર્વર પાર્ક પાસેના કોમન પ્લોટ ઉપર કોમ્યુનિટી હોલ બનાવવા માટે ટેન્ડર સહિતની પ્રક્રિયા પૂર્ણ કરી ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ આ કોમન પ્લોટ અંતર્ગત કાનુની અડચણો ઉભી થતાં કામ ઘણા સમયથી સ્થગિત કરવામાં આવ્યું છે. ખોદકામ ચાલુ કર્યા બાદ એજ સ્થિતિએ પડતુ મુકી કોન્ટ્રાક્ટરે કામ બંધ કરી દીધેલ ત્યારે વરસાદ અને ભુકંપના નાના-નાના આંચકાના લીધે માટી ખરવાનું ચાલુ રહેતા સોસાયટીઓની હદમાં આવેલા અમુક મકાનોના પાયાઓ હચમચી જવાની ઘટના બની હતી. આ મુદ્દે કોર્પોરેશનમાં અસરગ્રસ્તોએ અનેક વખત રજૂઆત કરી છતાં પણિામ સૂન્ય આવ્યું હતું. પરંતુ હવે ચોમાસુ માથે હોવાથી વરસાદના કારણે માટી ઘસી પડવાની ઘટના બને તો મકાનો ધરાશાયી થવાની ભીતી ઉભી થતાં આજુબાજુના રહીશોએ આ મુદ્દે એક સાથે સેંકડો ફરિયાદ કરતા આજે ડે. ઈજનેર સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને લોકોને સમજાવટ કરી ઘટતુ કરવાની ખાતરી આપી હતી.
રેલનગરમાં રામેશ્ર્વર પાર્ક પાસેના મહાનગરપાલિકાના કોમન પ્લોટ ઉપર કોમ્યુનિટી હોલ માટે અગાઉ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવે બેફામ ખોદકામનું પરિણામ આજે અનેક લોકો ભોગવી રહ્યા છે. લોકોએ ફરિયાદ કરી જણાવેલ કે, મકાનના પાયા સુધી ખોદકામ ધરવામાં આવ્યું છે. તેના લીધે વરસાદના કારણે માટી ધોવાઈ જવાથી પાયામાં પોલાણ થઈ ગયા છે. જેના લીધે મકાન ગમે ત્યારે ધરાસાયી થવાની ભીતી ઉભી થઈ છે. આગામી ચોમાસા દરમિયાન ભારે વરસાદથી મકાનો પડી શકે તેમ હોય તંત્ર દ્વારા ખોદકામ કરેલ જગ્યામાં પુરણ કરી ઘટતુ કરવામાં આવે તેમ જણાવતા ડે. ઈજનેરે તુરંત મકાનની આજુબાજુમાં થ યેલ ખોદકામને પુરવાની સુચના આપી હતી.