કોમળ ભીની લાગણી દર્શાવતી ફિલ્મનું રતન: આનંદી ત્રિપાઠી
ગુજરાતી ભાષાની ઐતિહાસિક ફિલ્મ ‘મૈયરમાં મનડું નથી લાગતું’ ફરીથી રિલીઝ થઈ છે ત્યારે ફિલ્મમાં રતનના પાત્રમાં પ્રાણ પૂરનાર અભિનેત્રી આનંદી ત્રિપાઠી સાથે વિશેષ મુલાકત
સામાજિક બદલાવ લાવનાર, બેજોડ અને પ્રેરણાદાયી ફિલ્મનો મહત્વનો હિસ્સો બન્યા છે અભિનેત્રી આનંદી ત્રિપાઠી
આજથી અઢી દાયકા પહેલાની વાત છે.ગુજરાતી ફિલ્મ જગતની સુપર ડુપર હિટ ફિલ્મ જોવા આજુબાજુના ગામડામાંથી લોકો ટ્રેક્ટર ભરીને આવતા. સાસરિયામાં કોઈ તકલીફના કારણે પિયર આવી ગયેલી યુવતીઓ ફિલ્મ જોઈને સાસરે પરત ફરતી.ફિલ્મમાં મુખ્ય પાત્ર રતનથી પ્રભાવિત થઈને વડીલો તેને પગે લાગતા.આવા તો કેટલાય હૃદયસ્પર્શી બનાવો બનતા. પ્રેક્ષકોથી થિયેટરો છલકાઈ જતા.આવી સંવેદનશીલ અને પારિવારિક તથા સ્નેહભીની ફિલ્મ એટલે હાલમાં રી રિલીઝ થયેલ ‘મૈયરમાં મનડું નથી લાગતું’ અને રતનના પાત્રમાં અભિનય દ્વારા પ્રાણ પૂરનાર અભિનેત્રી એટલે આનંદી ત્રિપાઠી.વર્ષ 2001માં રિલીઝ થયેલી આ ગુજરાતી ફિલ્મમાં હિતેન કુમાર, આનંદી ત્રિપાઠી, અરવિંદ ત્રિવેદી, દેવેન્દ્ર પંડીત, ફિરોઝ ઈરાની, દિનેશ લાંબા, ઝાકિર ખાન સહિત ઘણા દિગ્ગજ કલાકારોએ અભિનયના ઓજસ પાથર્યા હતા.જશવંત ગાંગાણી દિગ્દર્શિત આ પારિવારિક અને રોમેન્ટિક ફિલ્મ રિલીઝ થતાં જ સફળતાની ઊંચાઈએ પહોંચી હતી.
ફિલ્મનું સંગીત ગૌરાંગ વ્યાસે આપ્યું હતું સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન.આજે 25-25 વર્ષના વહાણા વીતી ગયા છતાં આ ફિલ્મને જબરદસ્ત પ્રેમ અને આવકાર મળી રહ્યો છે ત્યારે *ઉડાન*માં પ્રસ્તુત છે રતનના પાત્રને જીવંત બનાવનાર અભિનેત્રી *આનંદી ત્રિપાઠીએ આપેલ વિશેષ મુલાકાત*.ફિલ્મની સફળતા,નિર્માણ,સેટ પર સહકલાકારો સાથેના અનુભવો વગેરે વિશે તેઓએ ગુજરાત મિરર સાથે ખુલ્લા દિલે વાતો કરી હતી.
પ્રશ્ન:વર્ષ 2001માં બ્લોક બસ્ટર સાબિત થયેલ આ ફિલ્મ રી રિલીઝ થઈ રહી છે ત્યારે કેવી લાગણી અનુભવો છો?
જવાબ: ફિલ્મની સફળતા એ અમારા બધાની મહેનત, તપસ્યા અને સમર્પણનું ફળ છે. 2001માં જ્યારે ફિલ્મ રિલીઝ થઈ એ સમયે દર્શકોનો પ્રેમ મળ્યો હતો એવો જ પ્રેમ અત્યારે પણ મળી રહ્યો છે તે જોઈ ખૂબ ખુશી થાય છે. દર્શકો હજુ પણ ફિલ્મમાંએ ચહેરો જોવા ઈચ્છે છે એ લાગણી જ ભાવુક કરી દેનાર છે.
પ્રશ્ન:તમારા માટે બિલકુલ અજાણી એવી ગુજરાતી ભાષામાં અભિનય કરવાનો અનુભવ કેવો રહ્યો? કેવી કેવી મુશ્કેલીઓ પડી?
જવાબ : મારો જન્મ અને ઉછેર ઈંદોરમાં થયો છે.મોસાળ દિલ્હી છે એટલે ગુજરાત અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એ મારા માટે બિલકુલ નવી જગ્યા હતી.ભાષા,રહેનસહેન,ખોરાક અને વાતાવરણ અલગ લાગતું પરંતુ ગુજરાતી ભાષા મારી માતૃભાષા માલવીને મળતી આવતી હતી એટલે મને ગુજરાતી ભાષામાં, સંવાદોમાં વાંધો આવતો નહોતો પરંતુ બોલવામાં જે લહેકો આવવો જોઈએ તે મિસિંગ હતો એટલે ડબિંગ બીજા આર્ટિસ્ટે કર્યું. સેટ પર સ્પોટ બોયથી લઈને દરેક વ્યક્તિ પાસેથી હું ગુજરાતી શીખતી.નાના વાક્યો બોલતી અને દરેકને પૂછતી રહેતી કે આ બરોબર છે?એકંદરે સુંદર અનુભવ રહ્યો.
પ્રશ્ન: આપને સફળતાના શિખરે પહોંચાડનાર અભિનયની યાત્રા કઈ રીતે શરૂ થઈ?
જવાબ: ઈંદોરમાં અભ્યાસની સાથે ફેશન ડિઝાઇનનો કોર્સ કરતી હતી એવા સમયે એન્યુઅલ ફંકશનમાં ફેશન શોનું આયોજન થયું હતું. જેમાં એક સિનિયર સ્ટુડન્ટની ગેરહાજરીમાં મારે રેમ્પ વોક કરવાનું થયું.હું નવી હતી અને ફેશન શો માં વચ્ચે કંઈ ભૂલ ન થાય તેથી મારી એન્ટ્રી છેલ્લે રાખવામાં આવી હતી પરંતુ મારા આશ્ચર્ય વચ્ચે ત્યાં ઉપસ્થિત કલેક્ટર,તેમના પત્ની અને અન્યને મારું પર્ફોર્મન્સ ખૂબ ગમ્યું અને ફરીથી વોક કરવા માગણી થઈ.આ શો બાદ ફેશન ઇન્સ્ટિટ્યૂટમાંથી મિસ ઇન્ડિયા માટે નામ મોકલાયું. જેમાં ફર્સ્ટ 100માં મારી પસંદગી થઈ. પિતાજી ગવર્મેન્ટ ઓફિસર અને માતા ટીચર હોવાના કારણે ભણીને કેરિયર બનાવવાનું જ સ્વપ્ન હતું તેથી આ ફિલ્ડ મારા માટે ખૂબ જ અલગ હતું આમ છતાં માતા-પિતાના સહયોગથી કેટલીક એડ ફિલ્મ અને 1999માં કન્નડ ફિલ્મ ઇન્દ્રધનુષ કરી જે પણ સુપરહિટ સાબિત થઈ. આ ફિલ્મ સમયે અભ્યાસ ચાલુ હોવાથી શિફ્ટ એ રીતે ગોઠવી હતી કે મારું ભણવાનું ન બગડે. ત્યારબાદ આશિક ફિલ્મમાં કરિશ્મા કપૂરની ફ્રેન્ડનો રોલ કર્યો, આમ નાના-મોટા કામ શરૂૂ થયાં. મુંબઈમાં મારા મેકઅપ મેન પપ્પુ દાદાના મિત્ર રફીક શેખ જે ‘મૈયરમાં મનડું નથી લાગતું’ ફિલ્મમાં કેમેરામેન હતા. તેમના દ્વારા આ ફિલ્મ માટે મારું નામ સજેસ્ટ કરવામાં આવ્યું . ઓડિશન થયા બાદ મારી પસંદગી થઈ. માતા, પિતા, ગુરુ અને ભગવાનના આશીર્વાદથી ફિલ્મ ખૂબ જ સફળ રહી.
પ્રશ્ન: ફિલ્મની સફળતાનો સ્વાદ આપના માટે કેવો રહ્યો?
જવાબ: ફિલ્મને પરફેક્ટ બનાવનાર દરેક તત્વ જેમકે સ્ટોરી,ઇમોશન,રોમાન્સ,એક્શન બધું જ આ ફિલ્મમાં હતું. ફિલ્મ રિલીઝના થોડા સમયમાં જ ખ્યાલ આવ્યો કે ફિલ્મ ખૂબ જ સારી ચાલી રહી છે અને લોકો પસંદ કરી રહ્યા છે. એ સમયની આ સૌથી મોંઘી ફિલ્મ હતી. 11 એવોર્ડ મળ્યા છે.મારું રતનનું પાત્ર હતું જેમાં દરેક માતા-પિતા પોતાના પુત્રવધૂની છબી જોતા. દરેક ઉંમરની સ્ત્રીઓનો પ્રેમ ખૂબ મળ્યો.મહિલાઓ આવીને મને ભેટી પડતી,મારા ગાલોને ચુમતી અને આશીર્વાદ આપતી જે યાદ કરું તો આજે પણ મારી આંખોમાં આંસુ આવી જાય છે.
પ્રશ્ન: ફિલ્મના શૂટિંગ સમયનો અનુભવ કેવો રહ્યો?
જવાબ: ફિલ્મનું શૂટિંગ વડોદરા નજીક હાલોલના લકી સ્ટુડિયોમાં કરવામાં આવ્યું હતું.સેટ પર દરેક કલાકારો આત્મીયતાથી રહેતા.મારો મજાકિયો સ્વભાવ હોવાથી ખૂબ મસ્તી કરતા. સ્પોર્ટ બોયથી લઈ એક્ટર, ડિરેક્ટર બધા જ સાથે ભોજન કરતા. એક પરિવાર જેવું વાતાવરણ સર્જાતું જેથી ફિલ્મનું શૂટિંગ ક્યારે પૂરું થયું ખ્યાલ જ ન આવ્યો.
પ્રશ્ન: ફિલ્મની સફળતાની તમારી કેરિયર પર શું અસર થઈ?
જવાબ: ફિલ્મ સફળ થઈ, ફિલ્મની પ્રશંસા થઈ પરંતુ અમુક બાબતોના કારણે તેનો જોઈએ એવો લાભ મળ્યો નહીં.મારા વિશે કેટલીક નકારાત્મક વાતો ઇરાદાપૂર્વક ફેલાવવામાં આવી જેનાથી હું અજાણ હતી.આ બધા વચ્ચે પણ મારા હિતેચ્છુઓ હતા જેમણે મને સપોર્ટ કર્યો,ફિલ્મોમા કામ આપ્યું અને પછી પણ ઘણી ફિલ્મો કરી. મારા માતા-પિતાની શીખ છે કે સંજોગો સામે ક્યારેય હારવું નહીં. પ્રોફેશનલ અને પર્સનલ લાઇફમાં અનેક સંઘર્ષ આવ્યા જેમ રસ્તા પર સ્પ્રીડ બ્રેકર આવે છે એ જ રીતે તેનો સામનો કરીને આગળ વધી છું.
પ્રશ્ન: અંતમાં મહિલાઓને સંદેશ?
જવાબ: જિંદગી મેં બહોત સે લોગ બહોત કુછ કહેંગે.. મગર કરના વહી જો ખુદ કા મન કહે, ખુદ કો સહી લગે....
લોગ બહોત કુછ બોલેંગે પર સુનના નહીં... બસ આગે બઢતે રહેના
અપનો કો મત છોડના, પરિવાર કો મત છોડના... અપનો કી બાતે કડવી લગેગી પર સહેના... અગર દુનિયા કડવી બાતે કરે તો ઉનકા ડટકે મુકાબલા કરના...
ઘબરાના નહીં.. ડગમગાના નહીં.. આગે બઢતે રહેના મંઝિલ જરૂૂર મિલેગી કામિયાબી ભી મિલેગી
Written By: Bhavna Doshi