સિવિલ હોસ્પિટલે પરિવાર પહોંચ્યો આત્મા લેવા!
કળશમાં આત્માને પરત ગામ લઇ ગયા, છોટા ઉદેપુરમાં બનેલી વિચિત્ર ઘટના
છોટા ઉદેપુરમાં 21મી સદીમાં પણ અંધશ્રદ્ધાની પરાકાષ્ઠાનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં મૃતક વ્યક્તિની આત્માને ઘરે લાવવા માટે સિવિલ હોસ્પિટલના ગેટ પર વિધિ હાથ ધરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, છોટા ઉદેપુર જિલ્લાના ખોડવલી ગામમાં રહેતા ધનજીભાઈ રાઠવા (60) છેલ્લા ઘણાં સમયથી બીમાર રહેતા હતા. જેથી તેમને છોટા ઉદેપુર સિવિલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં 3 દિવસ પહેલા જ તેમનું મોત નીપજ્યું હતુ. ધનજીભાઈના પરિવારજનોની માન્યતા મુજબ, મૃતકની આત્માને વિશેષ વિધિ દ્વારા ઘરે લઈ જઈ શકાય છે. જેથી મૃતકની આત્માને શાંતિ મળે અને પરિવાર પર કોઈ અનિષ્ટ ના આવે.
આ માન્યતાને આધારે મૃતકના પરિવારજનો તેમજ ગામના નટુડીયા રાઠવા સિવિલ હોસ્પિટલમાં ગેટ પાસે ખાસ વિધિ માટે પહોંચ્યા હતા. જ્યાં સિવિલ હોસ્પિટલના પ્રવેશ દ્વાર પાસે પરંપરાગત અગ્નિ, કળશ લઈને ક્રિયાઓ કરીને આત્માને બોલાવવાની વિધિ કરવામાં આવી હતી.
આ વિધિ પૂર્ણ થયા બાદ નટુડીયા રાઠવા કળશમાં આત્માને સ્થાન આપીને ગામ તરફ લઈ ગયા હતા.હોસ્પિટલ પરિસરમાં આ પ્રકારની વિધિ જોઈને ઘણાં લોકો ચકિત થઈ ગયા હતા. બીજી તરફ અંધશ્રદ્ધા અને વિજ્ઞાન સામે જાગૃતિની જરૂૂરિયાત અંગે ચર્ચા ઊઠી છે. આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા કેટલાક લોકોએ જણાવ્યું કે, વિજ્ઞાનના યુગમાં આવી વિધિઓનું હોસ્પિટલના પરિસરમાં આયોજન થવું યોગ્ય નથી, જ્યારે પરિવારજનોનું કહેવું હતું કે આ તેમની વંશ પરંપરાગત રીત છે.