રાજકોટથી ભાદર ડેમ સુધી લાઈન નાખવાના કામના ચાર કટકા કરાયા
એક એજન્સી દાદાગીરી ન કરે અને અધવચ્ચે કામ ન અટકાવે તે માટે તંત્રએ ચારને કામ આપી મોનોપોલી તોડી
રાજકોટથી ભાદર ડેમ સુધીની મોટી લાઈન નાખવા માટે તંત્ર દ્વારા છેલ્લા ઘણા સમયથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. હાઈવે ઓથોરીટીની મંજુરી મળ્યા બાદ 14 ગામોને આ લાઈનમાંથી કનેક્શન આપવાનું છે. તેમજ રીબડાથી ભાદર ડેમ સુધીની લાઈન નાખવા માટે એક કોન્ટ3ાક્ટરને કામ આપવામાં આવે તો અધવચ્ચે કામ અટકે અથવા કોન્ટ્રાક્ટર દ્વારા દાદાગીરી કરવામાં આવે તો તેવુ વિચારી હવે 11 કિલોમીટરની લાઈન નાખવા માટે ત્રણ કોન્ટ્રાકટરોને કામ આપવાનો નિર્ણય લઈ ટેન્ડર લઈ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
શહેરની પાણીની જરૂરિયાત વધતા તેમજ રૂડાના 14 ગામોને કનેક્શન આપવાનું હોવાથી ભાદર ડેમથી રાજકોટ આવતી હાલની 863 મીમીની લાઈન દૂર કરી તેના સ્થાને 1016 મીમીની લાઈન નાખવા માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 212 કરોડ મંજુર કરવામાં આવ્યા છે. પરંતુ રિબડાથી ભાદર ડેમ સુધીની 11 કિલોમીટરની હેવી લાઈન નાખવા માટે એક એજન્સીને કામ સોંપાય તો કામમાં સમય બરબાદ થઈ શકે છે અથવા અધુરુ કામ પડતુ મુકવાની ધમકી પણ એજન્સી આપે ત્યારે તંત્રની પછેડી દબાઈ જાય તેવો ઘાટ ન સર્જાય તે માટે હવે રીબડાથી ભાદર ડેમ અને ગ્રીનલેન્ડ ચોકડીથી ગોંડલ ચોકડી સુધીનું કામ ચાર પાર્ટમાં વહેંચવામાં આવ્યું છે. અને જેના માટે ટેન્ડર પ્રસિદ્ધ કરાયું છે.
હાઈવે ઓથોરીટી દ્વારા ભાડુ વસુલવાનું છે કારણ કે, સર્વિસ રોડ નીચે લાઈન નાખવાની હોવાથી ચાર્જ ભરવાનો થશે પરંતુ હાઈવે ઓથોરીટીએ હજુ એસ્ટીમેન્ટ આપેલ ન હોય મનપાએ લાઈન નાખવા માટે ચાર ફેઝની કામગીરીનું ટેન્ડર પ્રસિદ્ધ કર્યુ છે. સરકારે 212 કરોડ મંજુર કરેલા છે. છતાં હાલ 120 કરોડનું એસ્ટીમેન્ટ તૈયાર કરી રીબડાથી 11 કિ.મી. સુધીના પાઈપલાઈન નાખવાના 3 ટેન્ડર અને ગ્રિનલેન્ડ ચોકડીથી ગોંડલ રોડ ચોકડી સુધીના પાર્ટ-1 માટે અલગથી ટેન્ડર કરવામાં આવ્યુ ંછે. ટેન્ડર પ્રસિદ્ધ થયેલ હોય ટુંક સમયમાં બીડ ખુલશે અને ચોમાસા પછી અથવા દિવાળી બાદ લાઈન નાખવાનું કામ શરૂ કરવામાં આવે તેવી શક્યતા જોવાઈ રહી છે.