ભાયાસરમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે મારેલા સીલ તોડી કારખાનું ફરી શરૂ કરી દીધું !
રાજકોટના ભાયાસર ગામે પ્રદુષણ નિયંત્રણ એક્ટ હેઠળ મામલતદાર દ્વારા એક ફેક્ટરીને સીલ મારી દેવામાં આવ્યું હતું.આમ છતાં આ ફેક્ટરીનું સીલ તોડી તેને ચાલુ કરી દેવામાં આવતા આ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. આ મામલે આજીડેમ પોલીસ સ્ટાફે સીલ તોડી લોકોને જીવનું જોખમ ઉભું કરનાર શખ્સો સામે કાર્યવાહી કરવા તજવીજ શરૂૂ કરી છે.
આ અંગે આજીડેમ પોલીસે રૈયા રોડ જ્ઞાનજીવન સોસાયટી-3માં રહેતા કમલેશકુમાર ખોડાભાઈ લકુમની ફરિયાદ પરથી ભાયાસરમાં આવેલા મહેશભાઈ પટેલના એકમ પાઈરોલીસીસ પ્લાન્ટનું સીલ તોડનાર અને કારખાનુ ચાલુ કરનારા વ્યક્તિ સામે બીએસએનએલર્ની કલમ 286, 125, 223, હવા પ્રદુષણ નિયંત્રણ અને નિયમનના કાયદાની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. ફરિયાદમાં જણાવાયું છે કે રાજકોટના ભાયાસર ગામે આવેલુ મહેશભાઈ પટેલનું કારખાનુ એકમ પાઈરચેલીસીસ પ્લાન્ટ જે સર્વે નં. 108માં છે તે વર્ષ 2024મા હવા પ્રદુષણ નિયંત્રણ અધિનિયમ હેઠળ પ્રદુષણ નિયંત્રણ બોર્ડની મંજુરી વગર ચાલુ કરીદેવાયું હોઈ જેથી 14/2/24ના રોજ રાજકોટ તાલુકા મામલતદાર કચેરીના નાયબ મામલતદાર આર. એમ. વાઘેલાએ આ એકમને સીલ કરી દીધુ હતું.
આ પછી આ તારીખથી લઇ તા. 4/2/25 સુધીના વચ્ચેના સમયમાં કોઈપણ સમયે આ એકમ કારખાનાનું સીલ તોડી ફરીથી ચાલુ કરી દઈ જોખમી પદાર્થ અને હવાનું પ્રદુષણ ફેલાવી બીજા લોકોની જાન પર જોખમ ઉભુ કરાયું હોઈ આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ અંગેની વધુ તપાસ એએસઆઈ કિશનભાઈ આહિરે હાથ ધરી છે.