‘સાહેબ મુદતે છે’ યુગનો અંત, વીડિયો કોન્ફરન્સિંગ જૂબાની
રાજ્યમાં પોલીસ વિભાગને રાહત આપતો નિર્ણય, કોર્ટમાં રૂબરૂ હાજરી આપવામાંથી મુક્તિ
ગુજરાતની ન્યાય પ્રણાલીમાં કાર્યક્ષમતા વધારવાના ઉદ્દેશથી એક મહત્ત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે, જેના કારણે પોલીસ અધિકારીઓનો સમય અને સંસાધનો બચશે. હવે પોલીસ અધિકારીઓ કેસની જુબાની કે ક્રોસ-એક્ઝામિનેશન આપવા માટે કોર્ટમાં રૂબરૂ હાજર રહેવાને બદલે વીડિયો કોન્ફરન્સિંગ (VC) દ્વારા રિમોટલી જુબાની આપી શકશે. આ નિર્ણયથી પોલીસ વિભાગ પરનો વહીવટી બોજ હળવો થશે અને તપાસ અધિકારીઓ (IOs) ને તેમના ફિલ્ડ વર્ક પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માટે સમય મળશે.
અત્યાર સુધી, પોલીસ કર્મચારીઓ માટે કોર્ટની તારીખ એટલે કે મુદત પર હાજર રહેવું એ એક નિયમિત પ્રક્રિયા હતી. આ પ્રક્રિયામાં પોલીસકર્મીઓ અને અધિકારીઓએ લાંબા અંતરની મુસાફરી કરવી પડતી હતી અને કોર્ટના સમયપત્રક મુજબ લાંબા સમય સુધી રાહ જોવી પડતી હતી. ઘણીવાર આના કારણે ફિલ્ડ ડ્યુટી અને ગુનાની તપાસનું મહત્ત્વનું કાર્ય પ્રભાવિત થતું હતું. નવા નિયમ હેઠળ, પોલીસ સ્ટેશનો અથવા ખાસ નિયુક્ત ટઈ કેન્દ્રોમાંથી જ જુબાની આપી શકાશે.
આ પગલું ગુજરાત પોલીસના આધુનિકીકરણ તરફનું એક મોટું કદમ છે. ઉચ્ચ ન્યાયતંત્ર અને રાજ્યના ગૃહ વિભાગના સંયુક્ત પ્રયાસોથી આ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી રહી છે. તેનાથી માત્ર સમયની બચત જ નહીં થાય, પરંતુ કોર્ટ પરિસરમાં પોલીસની હાજરી પણ ઓછી થશે, જેનાથી અન્ય મુકદ્દમાકર્તાઓ માટે જગ્યા અને વ્યવસ્થાપન સરળ બનશે. આ પ્રક્રિયાથી એ ખાતરી પણ કરવામાં આવશે કે પોલીસ અધિકારીઓ માત્ર મુદતે છે કહીને સમય બગાડવાને બદલે તેમની મુખ્ય ફરજો અસરકારક રીતે નિભાવી શકે.