રાજકોટમાં રોગચાળાએ માઝા મૂકી : યુવાનને તાવ ભરખી ગયો
રાજકોટ સહિત રાજયભરમાં રોગચાળાએ માજા મુકી હોય તેમ જીવલેણ બન્યો છે. રોગચાળાના કારણે અનેક લોકો કાળના ખપરમાં હોમાઇ રહયા છે. ત્યારે રાજકોટના વધુ એક યુવાનનુ તાવની બીમારી સબબ મોત નિપજતા પરીવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં એસટી વર્ક શોપ પાછળ આવેલા આંબેડકરનગરમાં રહેતા હર્ષદભાઇ દેવશીભાઇ ચૌહાણ (ઉ.વ. 44) ને તાવની બીમારી સબબ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જયા તેમનુ મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમીક પુછપરછમાં મૃતક હર્ષદભાઇ ચૌહાણ 3 ભાઇ અને 1 બહેનમાં વચેટ અને અપરિણીત હોવાનુ જાણવા મળ્યુ છે. બીજા બનાવમાં મુળ પોરબંદરના વતની રમેશભાઇ ઝવેરભાઇ જેઠવા (ઉ.વ. 38) રાજકોટમાં ગોંડલ રોડ પર આવેલી મામલતદાર ઓફીસે હતા ત્યારે બીમારી સબબ બેભાન હાલતમાં ઢળી પડતા સારવાર માટે ખસેડાયા હતા. જયા તેમનુ મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. ઉપરોકત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.