રોગચાળાએ માથું ઊંચક્યું, થોરાળામાં કમળાએ પરિણીતાનો ભોગ લીધો
ત્રણ મહિનાથી બીમારીમાં સપડાયેલી મહિલાએ દમ તોડતા બે પુત્રએ માતાની મમતા ગુમાવી
રાજકોટમાં મિશ્ર વાતાવરણ વચ્ચે રોગચાળાએ માજા મકી હોય તેમ તાવ, શરદી, ઉધરસ, ડેંગ્યુ, મેલેરિયા સહિતનો રોગચાળો વકર્યો છે. ત્યારે કમળાએ પણ માથુ ઉચકયું હોય તેમ થોરાળા વિસ્તારમાં આવેલા રામનગરની પરિણીતાનું કમળાની બિમારીથી મોત નિપજતાં પરિવારમાં કરૂૂણ કલ્પાંત સર્જાયો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ થોરાળા વિસ્તારમાં આવેલા
રામનગરમાં રહેતી પાયલબેન જીગ્નેશભાઈ મકવાણા નામની 30 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી. ત્યારે રાત્રીના ત્રણેક વાગ્યાના અરસામાં બિમારી સબબ બેભાન થઈ જતાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી મરણ મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરતા થોરાળા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
પ્રાથમિક તપાસમાં મૃતક પરિણીતા મજૂરી કામ કરી પરિવારને આર્થિક મદદ કરતી હતી. મૃતક પરિણીતાને સંતાનમાં બે પુત્ર છે. પાયલબેન મકવાણા છેલ્લા ત્રણ માસથી કમળાની બિમારીમાં સપડાયા બાદ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે થોરાળા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.