રાજકોટ-જામનગર હાઇવે પર પડધરી નજીક નાલામાંથી યુવાનની કોહવાયેલી લાશ મળી
અજાણ્યા યુવકના વાલી વારસની ઓળખ અને મોતનું કારણ જાણવા પડધરી પોલીસે આદરી તપાસ
રાજકોટ-જામનગર હાઇવે પર આવેલી ટીજીએમ હોટેલ નજીકના નાલામાંથી અજાણ્યા યુવાનની કોહવાયેલી, દૂર્ગંધયુક્ત લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ છે. બનાવની જાણ થતાં પડધરી પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડી તેના મોતનું કારણ જાણવા અને ઓળખ મેળવવા તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટ-જામનગર હાઇવે પર પડધરી નજીક આવેલ ટીજીએમ હોટેલ નજીક નાલા પાસેથી એક રાહદારી પસાર થતાં હોઇ તેને દૂર્ગંધ આવતાં તપાસ કરતાં નાલામાં એક અજાણ્યા પુરૂૂષની લાશ જોતાં પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પડધરી પોલીસ મથકના હેડકોન્સ. વિરેન્દ્રસિંહ ઝાલા સહિતના સ્ટાફે પહોંચી કાર્યવાહી કરી હતી. મૃતક યુવાનની ઉમર આશરે 30 થી 35 વર્ષની છે. તેણે કાળુ ટ્રેક પેન્ટ, કાળો-બ્લુ શર્ટ પહેરેલો છે. તેના ડાબા હાથ પર અંગ્રેજીમાં પયુથ ત્રોફાવેલુ છે. આ સિવાય ઓળખ થાય તેવી કોઇ ચીજવસ્તુ મળી આવી નથી. શરીર પર દેખીતી ઇજાના કોઇ નિશાન નથી.
મોતનું કારણ જાણવા મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડાયો હતો. પોલીસના અનુમાન મુજબ આશરે બે ત્રણ દિવસ પહેલા મૃત્યુ થયુ હોઇ શકે છે. મૃતક કોણ છે? કઇ રીતે મોત થયું? નાલામાં કઇ રીતે પડી ગયો? તે સહિતની તપાસ પડધરી પોલીસ મથકના ઇન્સપેકટર એસ. એન. પરમારની રાહબરીમાં હાથ ધરાવમાં આવી છે. મૃતક યુવાન વિશે કોઇને માહિતી મળે તો પડધરી પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે.