કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં યુવાનનું મૃત્યુ, પત્ની, બે સંતાનોને ઇજા
ભોળેશ્વર મહાદેવના મંદિરે દર્શનાર્થે જઈ રહેલા ભાનુશાળી પરિવારને નડ્યો ગોઝારો અકસ્માત
જામનગરથી ભોળેશ્વર બાઈક પર દર્શનાર્થે જઈ રહેલા જામનગરના એક ભાનુશાળી પરિવારને લોઠીયા ગામના પાટીયા પાસે ગોજારો અકસ્માત નડ્યો હતો. કાર અને બાઇક વચ્ચેની ટક્કરમાં ભાનુશાલી યુવાનનું અંતરયાળ મૃત્યુ નીપજયું છે, જ્યારે પાછળ બેઠેલા તેના પત્ની તથા બે સંતાનોને નાની મોટી ઈજા થઈ છે. આ બનાવને લઈને ભાનુશાલી પરિવારમાં ભારે કરુણાંતિકા છવાઈ છે.
આ ગોઝારા અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 58 માં ભાનુશાળી પરામાં રહેતા રાજેશભાઈ લાલજીભાઈ જોઈસર નામના 45 વર્ષના ભાનુશાલી યુવાન ગઈકાલે પોતાના બાઈક પર પત્ની અરુણાબેન (ઉમર વર્ષ 35) તેમજ બે સંતાનો ભવ્ય ઉ.વ. 8) તથા પુત્રી પલક (ઉંમર 10) કે જેઓને બાઇક પર બેસાડી ને જામનગર થી ભોળેશ્વર મહાદેવના મંદિરે દર્શનાર્થે જઈ રહ્યા હતા.
તેઓનું બાઈક લોઠીયા ગામના પાટીયા પાસે પહોંચતાં સામેથી પુરપાટ ઝડપે આવી રહેલી બ્લેક કલરની એક કારના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં ગમખ્વાર અકસ્માતર સર્જાયો હતો.
જે અકસ્માતમાં બાઈકના ચાલક રાજેશભાઈનું ગંભીર ઇજા થવાના કરુણ મૃત્યુ નિપજ્યું છે, જ્યારે તેમના પત્ની અરુણાબેન તથા બંને સંતાનોને નાની મોટી ઈજા થઈ હોવાથી જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ છે.
આ અકસ્માતના બનાવની જાણ થતાં લાલપુરના પી.એસ.આઇ એસ.પી. ગોહિલ તેમજ સ્ટાફના દિગુભા જાડેજા વગેરે બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને રાજેશભાઈ ના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી, જ્યારે અકસ્માત સર્જીને ભાગી છુટેલા બ્લેક કલરની કારના ચાલક ની શોધખોળ હાથ ધરી છે. આ અકસ્માતના બનાવને લઈને ભાનુશાળી પરિવારમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે.