જીવલેણ રોગચાળો વધુ એક માનવ જિંદગી ભરખી ગયો
વૃંદાવન સોસાયટીની ઘટના; કમળાની બિમારીમાં સપડાયેલા વૃધ્ધે દમ તોડયો
શહેરમાં રોગચાળો જીવલેણ નિવડયો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી કાળના ખપરમાં હોમાઈ ગઈ છે ત્યારે વધુ એક વૃધ્ધનું કમળાની બિમારી સબબ મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, શહેરમાં અંકુરનગર મેઈન રોડ પર આવેલ વૃંદાવન સોસાયટીમાં રહેતાં ચંદુભાઈ રામજીભાઈ મકવાણા નામના 72 વર્ષના વૃધ્ધ પોતાના ઘરે હતાં ત્યારે સાંજના ચારેક વાગ્યાના અરસામાં બેભાન હાલતમાં ઢળી પડતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.
જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પુછપરછમાં મૃતક ચંદુભાઈ મકવાણા ત્રણ ભાઈ બે બહેનમાં વચેટ હતાં અને તેમને સંતાનમાં એક પુત્ર છે. ચંદુભાઈ મકવાણાનું કમળાની બિમારીમાં સપડાયા બાદ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે માલવીયાનગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.