ગરીબોની રોજીરોટીનો સામાન ભંગારમાં વેંચવા કાઢ્યો
મનપાએ જપ્ત કરેલ રેંકડી-કેબીન સહિતની વસ્તુઓ રૂા.15 પ્રતિકિલોના ભાવે વેંચાણ કરશે
રાજકોટ શહેરમાં મહાનગર પાલિકા દ્વારા ગરીબ ધંધાર્થીઓ માટે અનેક સ્થળે વોકર્સઝોન બનાવવામાં આવ્યા છે. પરંતુ તે અપૂરતા હોવાના કારણે મુખ્યમાર્ગો ઉપર લારી-ગલ્લા અને પાથરણાઓના દબાણ જોવા મળી રહ્યા છે. જેને દૂર કરવા દબાણ હટાવ વિભાગ રોજે રોજ ચેકીંગ હાથ ધરી ધંધાર્થીઓના માલસામાન જપ્ત કર્યા બાદ ખુલ્લામાં તરછોડી દેવામાં આવે છે. નિયમ મુજબ 60 દિવસ બાદ ધંધાર્થીને તેનો સામાન પુરાવા રજૂ કરીએ મળવા પાત્ર છે. પરંતુ અનેક ધંધાર્થીઓનો સામાન મનપાના ગોડાઉનમાંથી ગુમ થઈ જતો અથવા વેરવિખેર થવાના કારણે પરત મળી શકતો નથી. અને આ સામાન હવે મહાનગરપાલિકા રૂા. 15થી 30 કિલોના ભાવે વેચવા કાઢ્યો છે.
મહાનગરપાલિકાના દબાણ હટાવ વિભાગ દ્વારા મુખ્ય માર્ગો ઉપરથી ગેરકાયદેસર દબાણરૂપ લારી-ગલ્લા પાથરણા, બોર્ડ, બેનર, સહિતનો સામાન રોજે રોજ જપ્ત કરવામાં આવી રહ્યો છે. જેના માટે તંત્ર દ્વારા 80 ફૂટ રોડ અને કાલાવડ રોડ ઉપર બે ગોડાઉન બનાવવામાં આવ્યા છે. પરંતુ આ ગોડાઉન છાપરા વગરના હોવાથી તેમજ જગ્યારોકાણ વિભાગનો સ્ટાફ કિંમતી સામાન આડેધડ ખુલ્લામાં ફેંકી દેતા હોય મોટાભાગના ધંધાર્થીઓના લારી-ગલ્લાઓનો કચ્ચરઘાણ બોલી ગયો છે. લારી જપ્ત થયા બાદ 60 દિવસ બાદ પરત આપવામાં આવે છે. જેના માટે તંત્ર દ્વારા આધાર-પુરાવા માગવામાં આવે છે.
જે 50% ધંધાર્થીઓ પણ રજૂ કરી શકતા નથી. તેવી જ રીતે અમુક દંધાર્થી આધાર પુરાવા રજૂ કર્યા બાદ ગોડાઉનમાં પોતાનો સામાન લેવા જાય ત્યારે તેનો સામાન મળતો નથી અથવા તુટેલી હાલતમાં હોવાથી ધંધાર્થી નિરાશ થઈને સોના કરતા ઘડામણ વધી જાય તેવુ વિચારી પરત આવે છે અને આ રિતનો હજારોની સંખ્યામાં રેકડી-કેબીન સહિતનો સામાન મનપાના બે ડેલામાં એકત્ર થયો છે. ગરીબ ધંધાર્થીઓની રોજીરોટી સમાન આ સામાનને ભંગારના ભાવે વહેંચવા માટે મહાનગર પાલિકાએ હાલમાં ટેન્ડર પ્રસિદ્ધ કર્યુ છે. બનાવતી વખતે હજારો રૂપિયાનો ખર્ચો કરનાર ધંધાર્થીઓને રેકડી-કેબીન સહિતનો સામાન હવે વજનના ભાવે તંત્ર વેંચી ફરી એક વખત ગરીબ ધંધાર્થીઓના પેટ ઉપર પાટુ મારવા જઈ રહ્યું છે.
જગ્યા હોવા છતાં ધંધાર્થીઓના પેટ ઉપર પડે છે પાટુ
મહાનગરપાલિકા દ્વારા 90થી વધુ વોકર્સઝોન બનાવવામાં આવ્યા છે. પરંતુ મોટાભાગના વોકર્સઝોનમાં શાકભાજી અને ફ્રૂટના વેપારીઓને જગ્યા ફાળવી દેવામાં આવી છે. જેની સામે મુખ્યમાર્ગો ઉપર અન્ય આઈટમોનું વેચાણ કરતા લારીઓ વાળા તેમજ ફિક્સ કેબીનો વાળાને આજ સુધી જગ્યા ફાળવવામાં આવી નથી. મહાનગરપાલિકાના 1600થી વધુપ્લોટપૈકી અનેક પ્લોટ આજે પણ ખાલી છે અને તેના ઉપર ગેરકાયદેસર દબાણો થઈ ગયા છે. ત્યારે આ પ્લોટ ખાલી કરી આ પ્રકારના ગરીબ ધંધાર્થીઓને જગ્યા ફાળવવી જોઈએ તેના બદલે તંત્ર દ્વારા ગરીબ ધંધાર્થીઓના પેટ ઉપર પાટુ મારી તેઓના લારી ગલ્લા, પાથરણા સહિતનો સામાન જપ્ત કરી ભંગારના ભાવે વેંચી મારવામાં આવે છે.