રાજકોટમાં સોનાનો હાજર ભાવ રૂા.1.25 લાખને પાર
શેર બજારમાં પણ તેજી, સેન્સેક્સ 400 પોઇન્ટ અને નિફ્ટીમાં 120 પોઇન્ટની રેલી
ગઇકાલે સોના-ચાંદીમાં જોવા મળેલી અભૂતપુર્વ તેજી બાદ આજે પણ સોનામાં ચમક યથાવત રહી હતી. આજે સવારે સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 550 રૂપીયાનો વધારો જોવા મળતા સોનાની સપાટી સવા લાખને ક્રોસ કરી ગઇ છે.
આજે સવારે માર્કેટ ખુલતા એમસીએકસમાં સોનાનો ભાવ 1,20,810 પર જોવા મળ્યો હતો. એટલે કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનુ 3974 ડોલર પર પહોંચ્યું છે. ચાંદીમાં આજે નજીવી વધઘટ જોવા મળી હતી.એમસીએકસ પર ચાંદીનો ભાવ 1,47,575 પર જોવા મળ્યો હતો.
જયાં સુધી સ્થાનિક બજારની વાત કરીએ તો રાજકોટમાં આજે હાજરમાં શુધ્ધ 24 કેરેટ સોનાનો ભાવ 1,25,350 સુધી પહોંચી ગયો હતો.એટલે કે છેલ્લા 50 દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 25 હજારનો વધારો નોંધાયો છે. ચાંદીની ચમક પણ ઓછી થઇ નથી.
દશેરા બાદ ધનતેરસ, દિવાળી અને લગ્નસરાની સીઝનને કારણે હજુ પણ સોનાની ડીમાન્ડ વધવાની છે. ખરીદીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે દિવાળી સુધી તો સોનાના ભાવ ઘટે તેવી શકયતા નથી.
બીજી બાજુ શેરબજારમાં પણ આજે તેજીનો ચોક્કો લાગ્યો હતો. નીફટી 25200 ને પાર થયો હતો. નીફટીના 50 શેરોમાંથી 40 શેરોમાં તેજી જોવા મળી હતી. આજે આઇસીઆઇસીઆઇ બેંક, બજાજ ફાયનાન્સ, રીલાયન્સ, જીયો ફાયનાન્સ સહીતના શેરોમાં તેજી જોવા મળી હતી.હાલ સેન્સેકસ 400 પોઇન્ટના વધારા સાથે 82,194 અને નીફટી 25200ને પાર થતી જોવા મળી હતી.