પેટ્રોલિયમનું ગેરકાયદે વેચાણ કરવાના કેસમાં વેપારીને 18 વર્ષે નિર્દોષ મુક્ત કરતી કોર્ટ
પૂરવઠા વિભાગની ટીમે કોલ્ડ્રિંક્સની દુકાનમાં દરોડો પાડી STDPCOના ધંધાર્થીને ઝડપી લીધો’તો
રાજકોટમાં કુવાડવા રોડ ઉપર પરવાના વિના એલડીઓ સહિત પેટ્રોલિયમનું ગેરકાયદે વેચાણના ગુનાના 18 વર્ષ પહેલાના કેસમાં અદાલતે પાન કોલ્ડ્રિંક્સ અને એસટીડીપીસીઓ ધંધાર્થીનો છુટકારો ફરમાવ્યો છે.
આ કેસની હકીકત મુજબ, મળેલ બાતમીના આધારે રાજકોટ જિલ્લા કલેકટરના હુકમથી પુરવઠા વિભાગ દ્વારા તા. 30/ 8/ 2006ના રોજ રાજકોટના કુવાડવા રોડ ઉપર આવેલ મણીરાજ ચેમ્બર્સમાં રવેચી પાન એન્ડ કોલ્ડ્રિંક્સ નામની દુકાનમાં એસ.ટી.ડી. પી.સી.ઓ.ના ધંધાર્થી જયંતિલાલ નાનજીભાઈ ભાલાળાને તેની દુકાનમાં ઓટોમોબાઈલ્સ, ઓઈલ્સ, ગ્રીસ તથા એલ.ડી.ઓ.નું વગર પરવાને વેચાણ કરવા ઉપરાંત તેણે શ્રીજી પેઈન્ટસના ગોડાઉનમાં છૂપાવેલો એલ.ડી.ઓ.નો ત્રણ બેરલમાં 645 લીટર જથ્થો કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
કબજે લેવાયેલ જથ્થામાંથી લીધેલા નમુનાના જુનાગઢ પ્રાદેશિક ન્યાય સહાયક પ્રયોગશાળા ખાતેથી રિપોર્ટ આવી જતા આરોપી વિરૂૂધ્ધ આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ 1955ની કલમ 3-7 સબબ તા. 09- 0ર- 07ના રોજ રાજકોટ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ થયો હતો.આ કેસ ચાલવા ઉપર આવતા આરોપી વતી રોકાયેલ વકીલ દ્વારા ફરીયાદી પુરવઠા ઇન્સપેકટર, અધિક મામલતદાર તથા સાહેદો પુરવઠા સ્ટાફની ઉલટ તપાસ કરવામાં આવી હતી, તેમજ પંચો હોસ્ટાઈલ થયા હોવાની દલીલો કરવામાં આવી હતી, જે ધ્યાને લઈ રાજકોટના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જે. વી. પરમાર દ્વારા આરોપી જયંતિલાલ નાનજીભાઈ ભાલાળાને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ કેસમાં આરોપી વતી યુવા એડવોકેટ આનંદ જે. રાધનપુરા તથા જીગર બી. નસીત રોકાયા હતા.