ચર્ચાસ્પદ બનેલ સુરેન્દ્રનગર જિલ્લા પ્રા. શિક્ષક સંઘની ચૂંટણી પૂર્ણ: પ્રમુખ ડો. ધાધલ, મહામંત્રી પરમારની ભવ્ય જીત
સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ની ચર્ચાસ્પદ અને ભારે ઉતેજના ભરેલ માહોલમાં ચૂંટણી યોજાયેલ હતી શિક્ષક સમાજમાં બે જુથ આમને સામને ની લડત બાદ પ્રમુખ તરીકે ડો. દિપેન્દ્રભાઇ ધાધલ મહામંત્રી તરીકે પ્રદિપસિંહ પરમારે ભવ્ય જીત મેળવી હતી.
શિક્ષક સમાજમાં સંઘનું વિશેષ મહત્વ રહેલ હોય છે. સમગ્ર જિલ્લાના શિક્ષક સમાજમાં આ ચૂટણી બે જૂથ પડી ગયા હતા અને નિયત તારીખે પ્રમુખ મહામંત્રી તરીકે બંન્ને જુથ માંથી ઉમેદવારી કરવામાં આવેલ હતી જેને લઇને સમગ્ર જિલ્લાના શિક્ષક સમાજમાં ચકચાર સાથે સંઘની ચૂંટણી ચર્ચાસ્પદ બનેલ હતી.
બે દિવસ પૂર્વે સુરેન્દ્રનગર ખાતે ચૂંટણી યોજાયેલ હતી જેમા 75 જેટલા કારોબારી સદસ્યોના મતદાનના અંતે 39 મત મેળવી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે ડો. દિપેન્દ્રભાઇ ધાધલ (ચોટીલા) અને મહામંત્રી તરીકે પ્રદિપસિંહ પરમાર (મૂળી) નો ભવ્ય વિજય થયો હતો આ પ્રસંગે જિલ્લાના તમામ તાલુકા યુનિટના શિક્ષક સંઘના હોદ્દેદારો, શિક્ષકો તેમજ જિલ્લા સંઘના પૂર્વ પદાધિકારીઓ સહિતનાં ઉપસ્થિત રહ્યા અને વિજેતાઓને ખંભે બેસાડી અબિલ ગુલાલ ઉડાડી મો મીઠું કરવી અભિનંદન પાઠવી વિજયોત્સવ મનાવ્યો હતો.
પ્રમુખ તરીકે ચૂટાઇ આવેલ ધાધલ હાલ રાજ્ય શિક્ષક સંઘ ના કાર્યાધ્યક્ષ તરીકે ફરજ નિભાવી રહ્યા છે. જેઓએ જણાવેલ કે જિલ્લાનાં તમામ તાલુકાના શિક્ષકોએ તેમના ઉપર વિશ્ચાસ નો મત મુક્યો છે. તે સાર્થક રીતે નિભાવવા હર હંમેશ સમાજના પ્રશ્ર્ને તત્પરતા સાથે કાર્યરત રહી ખરા ઉતરશે, જુથવાદ અંગે પુછતા જણાવ્યું હતું કે ચૂંટણી ખેલદિલી પૂર્વક યોજાઇ છે. લડવાનો હક દરેક ને છે. જુથવાદ જેવું કંઇ જ નથી સમગ્ર જિલ્લામાં શિક્ષક સમાજમાં એક સુત્રતા સાથે પારિવારિક માહોલ જ છે.