થાનમાં વીજકંપનીના કોન્ટ્રાક્ટરને ત્યાંથી જ ચોરાઉ વાયર ઝડપાયો
થાન વીજ કંપનીની ટીમ નવાગામ રોડ પર ઔદ્યોગીક વીજ કનેકશન ચેક કરવા ગઈ હતી. ત્યારે એક કોન્ટ્રાકટરના પતરાના ડેલામાંથી વીજ કંપનીનો ચોરાયેલો સામાન મળી આવ્યો હતો. આ બનાવમાં કોન્ટ્રાકટર સહિત 2 સામે થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
થાનની પીજીવીસીએલ કચેરીમાં નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવતા વી.આર.મિસ્ત્રી સહિતનાઓ ગત 4-10ના રોજ નવાગામ રોડ પર ઔદ્યોગીક વીજ જોડાણ ચેક કરવા ગયા હતા. જેમાં પતરાનો ડેલો ખોલીને જોતા તેમાં વીજ લાઈનની કામગીરી માટે વપરાતા સામાનનો જથ્થો જોવા મળ્યો હતો. આ અંગે પરવેઝ સલીમભાઈ મોટલાણીને પુછતા તેઓએ હાલ વાંકાનેરમાં કામ ચાલુ હોવાનું જણાવતા અધિકારીઓએ ઓર્ડરની કોપી અને મટીરીયલ રજીસ્ટર માંગ્યા હતા. પરંતુ પરવેઝ કોઈ આધાર પુરાવા રજુ કરી શકયો ન હતો. આ ઉપરાંત પરવેઝ વર્ષ 2016માં કિસ્મત ક્ધસ્ટ્રકશનના નામે વીજ કંપનીના કોન્ટ્રાકટર તરીકે કામ કરતો હતો.
જેમાં ખાખરાળીમાં કામ કર્યા વગર બીલ મુકી પૈસા લઈ લીધા હતા અને આ સામાન પણ હજુ સુધી જમા કરાવ્યો ન હતો. આથી વીજ કંપનીએ વર્ષ 2019થી તેની સાથે 7 વર્ષ માટે સ્ટોપ ડીલ કરી હતી. જેના લીધે પતરાના ડેલામાં રહેલા એન્કર રોડ, ટર્ન બકલ, આઈબોલ્ટ, એન્ગલ, ક્રોસ આર્મ, ટેપીંગ એંગલ, સ્ટ્રેટ આર્મ, એલ્યુમીનીયમ-રબ્બર-વાયરનો સ્ક્રેપ સહિત રૂૂ. 49,87,853ની મત્તાની ચોરીની ફરિયાદ પરવેઝ સલીમભાઈ મોટવાણી અને આમીર ઉર્ફે લાલભાઈ સતારભાઈ કાબરા સહિત તપાસમાં ખુલે તે તમામ સામે નોંધાઈ છે. વધુ તપાસ એચસી કલોતરા ચલાવી રહ્યા છે.