મંત્રીમંડળમાં ધારાસભ્ય રિવાબા જાડેજાની નિયુક્તિ થતાં શહેરમાં હરખની હેલી
ફટાકડા ફોડી, મીઠા મોઢા કરાવી નિયુક્તિને આવકારતા શહેરીજનો
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ના મંત્રીમંડળમાં ફેરફાર કરાયા બાદ આજે વિસ્તરણ થયું હતું, અને નવા મંત્રીમંડળના શપથવિધિ સમારોહમાં જામનગરના 78- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા ની પણ રાજ્યકક્ષાના મંત્રી તરીકેની નિયુક્તિ કરાતાં જામનગર શહેરમાં અને ખાસ કરીને રાજપૂત સમાજમાં હર્ષની લાગણી ફેલાઈ છે. ગુજરાત રાજ્યના મંત્રીમંડળમાં ફેરફાર ની અટકળો બાદ જામનગરના શિક્ષિત અને યુવા ધારાસભ્ય રિવાબા જાડેજા ના નામની અનેક દિવસોથી ચર્ચા થતી હતી, અને આખરે તેમની પસંદગી કરવામાં આવતાં શહેરી વિસ્તારમાં ખુશીનો માહોલ છવાયો છે.
જોકે હાલારમાં બે કેબિનેટ કક્ષાના મંત્રીઓના પદ છીનવાયા છે, અને એકમાત્ર રાજ્યકક્ષાના મંત્રી તરીકે રિવાબા જાડેજા ની પસંદગી થઈ છે, જેથી જામનગર જિલ્લા સહિત હાલારને નવા મંત્રીમંડળમાં નુકસાન થયું છે. રાજ્ય સરકાર દ્વારા આજે નવા મંત્રીમંડળના વિસ્તરણ સાથેના શપથવિધિ સમારોહની સાથે રાજ્યકક્ષાના મંત્રી તરીકે રિવાબા જાડેજા ના નામની જાહેરાત થતાં તેમના સમર્થકોમાં ખુશી વ્યાપી હતી, અને શહેરના અનેક સ્થળોએ ફટાકડા ફોડીને તેમની નિયુક્તિને આવકાર મળ્યો હતો. સાથોસાથ એકબીજાના મીઠા મોઢા કરાવાયા હતા.
ગાંધીનગર ખાતે યોજાયેલા શપથવિધિના સમારોહમાં રીવાબાના પતિ ભારતના ખ્યાતનામ ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજા અને તેમના પુત્રી આરાધ્યાબા પણ હાજર રહ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા રિવાબા જાડેજા ને પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગનું ખાતું ફાળવવામાં આવ્યું છે, જેથી જામનગર શહેર જિલ્લા ની શિક્ષણ પ્રવૃતિને પણ ખૂબ જ વેગ મળશે તેમ મનાઈ રહ્યું છે.