દ્વારકાના દરિયામાં કુદરતનો કરિશ્મા, ધરતી પરથી વાદળો આકાશ તરફ ખેંચાયા
વંટોળ સાથે પાઈપ જેવી આકૃતિ સર્જાતા લોકોમાં કુતૂહલ
ગુજરાતમાં ચોમાસાની વિદાય થઈ ગઈ હોવા છતાં અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના કારણે રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. એવામાં દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે અદ્દભૂત દ્રશ્યો જોવા મળ્યા હતા.
દ્વારકા જિલ્લાના ભાટિયા પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ વાદળો ઘેરાવા લાગ્યા હતા. આ સાથે જ વરસાદી ઝાપટા વચ્ચે વાદળોનું વંટોળ સર્જાયું હતુ. જેમાં આકાશમાંથી વાદળો ધરતી પર આવતા જોવા મળતા લોકોમાં ભારે કુતુહલ સર્જાયું હતુ. જવલ્લેજ જોવા મળતા આ કુદરતી નજારાને ખેડૂતોએ પોતાના કેમેરામાં કેદ કર્યું હતુ. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, જમીન પરથી વાદળોનું વંટોળ ઉપર ઉઠીને ફરતુ-ફરતુ આકાશ તરફ જઈ રહ્યું છે. જેના કારણે આકાશમાં વાદળોની એક પાઈપ જેવી આકૃતિ જોવા મળી રહી છે.
નિષ્ણાંતોનું માનવું છે કે, જ્યારે અલગ-અલગ વિસ્તારનો પવન કોઈ એક જગ્યાએ અલગ તાપમાનમાં એકત્ર થાય, ત્યારે વર્તુળાકારમાં ફરવા લાગે છે. જ્યારે બહુ ગરમી થાય, ત્યારે હવાનું દબાણ થવાથી આવું વંટોળ સર્જાય છે. જેને મિની ચક્રવાત પણ કહી શકાય. હાલ તો કુદરતના આ કરિશ્માઈ નજારાને સ્થાનિકોએ પોતાના મોબાઈલમાં કેદ કરી દીધો છે. જે લોકોમા કુતુહલનો વિષય બન્યો છે.