નવાગામ અને વેગડીના બ્રિજ રાતોરાત બંધ કરાતા દેકારો, અંતે નાના વાહનો માટે ખોલાયા
વડોદરા નજીકનો ગંભીરાબ્રિજ તુટી પડયા બાદ તાબડતોબ તમામ બ્રિજના નિરિક્ષણ કરી ડાયવર્ઝનની વ્યવસ્થા કર્યા વગર અનેક જોખમી બ્રિજ બંધ કરી દેવામાં આવ્યા છે. જેના કારણે વાહનચાલકોની હાલાકી વધી જતા કેટલાક બ્રિજ ખોલવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લામાં પણ રાજકોટની ભાગોળે આવેલ આણંદપર નવાગામનો બ્રિજ પણ માત્ર ભારે વાહનો માટે બંધ કરાયો છે.
આજ રીતે રાજકોટ જિલ્લાનાં ધોરાજીથી જામનગર તરફ જવા માટે વેગડી ગામ નજીક ભાદર નદી પર પુલ અચાનક બંધ કરાયો અને અસંખ્ય વાહનોને હેરાનગતિ થતાં ફરી પુલ ચાલુ કરવો પડ્યો છે.
વેરાવળ સોમનાથથી જુનાગઢ અને ધોરાજીથી જામનગર જવા માટેનો આ ધોરાજી અને જામકંડોરણા વચ્ચે આવેલ એક માત્ર મુખ્ય માર્ગ છે અને ભાદર 2 નદીના પુલ પર ઘણા સમયથી રસ્તાનું કામ ન થતાં સમારકામની જરૂૂરીયાત ઉભી થઇ હતી. ત્યારે તંત્ર કોઈ પણ નોટિસ કે લોકોને જાણ કર્યા વિના પુલ બંધ કર્યો હતો. હજારો વાહનોની અવરજવર માટેનો કોઈ ડાયવર્ઝન આપ્યા વિના તાત્કાલિક અસરથી આ પુલ બન્ને બાજુ માટી નાખીને બંધ કરવામાં આવ્યો હતો.
આ પુલ બંધ થતાની સાથે વેરાવળ સોમનાથથી જામનગર તરફનો વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. આ પુલ બંધ થતાં લોકોમાં રોષ ફેલાતા અને જવાબદાર તંત્ર નીચે રેલો આવતાં ફરી આ પુલ પરથી માટી દુર કરીને પુલ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
બીજી તરફ રાજકોટ જિલ્લા કલેકટરે ધોરાજીથી જામનગર જતા સ્ટેટ હાઇવેને ભારે વાહનો માટે પ્રતિબંધ જાહેર કર્યો છે અને તેમનો ડાયવર્ઝન પણ જાહેર કરવામાં આવ્યો છે. જામકંડોરણા વાયા સુપેડી થઈને ધોરાજી સુધી 41 કિલોમીટરનો ડાયવર્ઝન જાહેર કરાયો છે.