ગિરનાર અંબાજી મંદિર દત્ત શિખરના મહંત તનસુખગીરી બાપુનો દેહવિલય
જૂનાગઢના ગીરનાર અંબાજી મંદિર દત શિખર એન ભીડભંજન મહાદેવ મંદિરના મહંત શ્રી તનસુખ ગીરી બાપુનો દેહ વિલય થતાં ગિરનારક્ષેત્રના સંતો મહંતો અને બાપુના વિશાળ અનુયાયી વર્ગમાં ઘેરા શોકની લાગણી ફેલાયેલ છે.
તનસુખગીરીબાપુની તબિયત લાંબા સમયથીબીમાર હોવાથી તેમની સારવાર રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી હતી જ્યાં આજે સવારે બાપુએ અંતિમ શ્ર્વાસ લીધા હતાં.
સ્વ. તનસુખગીરી બાપુનો પાર્થિવ દેહ સવારે જૂનાગઢ લાવવામાં આવ્યો હતો. અને ભવનાથમાં ભીડભંજન મહાદેવ મંદિરેથી તેમની પાલખીયાત્રા કાઢવામાં આવતા મોટી સંખ્યામાં અનુયાયીઓ અને સંતો-મહંતો જોડાયા હતાં.
પાલખીયાત્રા સંપન્ન થયા બાદ બપોરે 2:30 વાયે ભીડભંજન મહાદેવ ખાતે જ સ્વ. તનસુખગીરી બાપુને સંતો-મહંતોની હાજરીમાં સમાધી આપવામાં આવી હતી.
આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકોએ પણ ઉપસ્થિત રહી સ્વ.બાપુને શ્રધ્ધાંજલી અર્પી હતી.ઉલ્લેખનીય છે કે તનસુખગીરી બાપુ લાંબા સમયથી ગીરનાર પર્વત ઉપર આવેલ અંબાજી દત્ત મંદિર તેમજ ભવનાથમાં આવેલ ભીડભંજન મહાદેવ મંદિરના મહંત તરીકે સેવા આપતા હતાં અને વિશાળ અનુયાયી વર્ગ ધરાવતા હતાં.