જીયાણા ગામે કૂવામાંથી નવજાત શિશુની લાશ મળી
રાજકોટ નજીક જીયાણા ગામની સીમમાં એક વાડીના કુવામાંથી બે દિવસની નવજાત બાળકીની લાશ મળી આવતા સનસનાટી મચી ગઈ છે. આ મામલે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં વાડીમાલીકે જાણ કરતા પોલીસે ગુનો નોંધી બાળકીને કુવામાં ફેકી જનારની શોધખોળ શરૂ કરી છે. કોઈએ પાપ છુપાવવા માટે બાળકીને કુવામાં ફેંકી દીધાનું પોલીસ માની રહી છે.
મળતી વિગતો મુજબ રાજકોટના જીયાણા ગામે રહેતા શૈલેષભાઈ ખોડાભાઈ લીંબાસિયાની વાડીના કુવામાં એક બાળકની લાશ તરતી હોવાની જાણ શૈલેષભાઈએ જીયાણા ગામના સરપંચ જયસુખભાઈ મનસુખભાઈ મેટાણીને કરતા જયસુખભાઈએ એરપોર્ટ પોલીસને જાણ કરતા પીએસઆઈ એસએસ જાડેજા સહિતનો સ્ટાફ જીયાણા ગામે દોડી ગયો હતો. શૈલેષભાઈ લિંબાસિયાની વાડીના કુવામાં પડેલી લાશને બહાર કાઢી ફોરેન્સીક પોસ્ટમોટર્મ અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી છે. પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આ લાશ બે દિવસની બાળકીની છે. નવજાત બે દિવસની માસુમ બાળકીને કુવામાં ફેંકી દેનાર અને તેની માતા બાબતે પોલીસે તપાસ શરૂ કરી છે. કોઈએ પાપ છુપાવવા માટે નવજાતને કુવામાં ફેંકી દીધી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આ મામલે હાલ પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી છે. બે દિવસની માસુમને મોતના મુખમાં ધકેલી દેનાર તે કઠોર જનેતા બાબતે પણ પોલીસે આસપાસના ગામમાં તપાસ શરૂ કરી છે. જીયાણા ગામના શેલૈષભાઈ ખોડાભાઈની વાડીના કુવામાં આ બાળકીની લાશ મળી હોય ત્યાં આસપાસ વાડી વિસ્તારમાં રહેતા મજુરોની પૂછપરછ કરી તેમજ જીયાણા ગામના સીસીટીવી ફૂટેજના આધારે આ મામલે એરપોર્ટ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.