ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

બેટ દ્વારકામાં ફરી મેગા ડિમોલિશન, સરકારી બુલડોઝરો ત્રાટક્યા

10:51 AM Jan 11, 2025 IST | Bhumika
Advertisement

400થી વધુ ગેરકાયદે ધાર્મિક- રહેણાંક અને કોમર્સિયલ દબાણો હટાવવાની કામગીરી શરૂ, 1000 જવાનોનો ચુસ્ત બંદોબસ્ત, આસપાસના વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ

Advertisement

ઓખા મંડળના બેટ દ્વારકા વિસ્તારમાં ઓક્ટોબર 2022 માસમાં હાથ ધરાયેલા ઓપરેશન ડિમોલીશનમાં કરોડો રૂપિયાની કિંમતની લાખો ફૂટ જગ્યા પરના દબાણો હટાવાયા હતા. જે બાબત સમગ્ર રાજ્યમાં નોંધનીય બની રહી હતી. આ પછી બીજા રાઉન્ડમાં યાત્રાધામ હર્ષદ, ભોગાત વિગેરે સ્થળોએ પણ માર્ચ 2023ના સમયગાળામાં રેવન્યુ વિભાગ દ્વારા પોલીસ તંત્રને સાથે રાખીને ધાર્મિક તેમજ રહેણાંક અને કોમર્શિયલ દબાણોનો કડુસલો બોલાવી દીધો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સીધી દેખરેખ તેમજ માઇક્રો પ્લાનિંગ હેઠળ કરાયેલી આ દબાણ હટાવ ઝુંબેશ આવકારદાયક બની હતી.

ત્યારે યાત્રાધામ દ્વારકા અને બેટ દ્વારકા વિસ્તારમાં રહેલા વ્યાપક દબાણ અંગે કરવામાં આવેલા સરવે તેમજ જરૂરી કાનૂની પ્રક્રિયા બાદ આજથી બેટ-બાલાપર વિસ્તારમાં આ પ્રકારના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી આજથી પુનઃ શરૂ કરવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અગાઉ તત્વો દ્વારા અનઅધિકૃત રીતે સરકારી જમીન પર કરવામાં આવેલા અતિક્રમણ સંદર્ભે જિલ્લા પ્રશાસન દ્વારા જરૂરી સરવે તેમજ નોટિસ આપવા સહિતની કાયદેસરની કાર્યવાહી બાદ આ અંગેની મુદત પૂર્ણ થયે દ્વારકાના પ્રાંત અધિકારી અમોલ આપ્ટે તેમજ તેમની ટીમ દ્વારા જિલ્લા પોલીસ પ્રશાસનને સાથે રાખીને આ પંથકમાં કરાયેલા ધાર્મિક, રહેણાંક તેમજ કોમર્શિયલ વિસ્તારની સરકારી જગ્યાને ખુલ્લી કરવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો. જેને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયને સાથે રાખી અને દબાણ દૂર કરવા માટેની તૈયારીઓ આદરવામાં આવી હતી.

તાજેતરમાં દ્વારકાને બેટ દ્વારકાના જુદા જુદા વિસ્તારોમાં કરાયેલા આ પ્રકારના દબાણ અંગે આશરે 450 જેટલા આસામીઓને નોટિસ ફટકારી અને પોતાના દબાણો સ્વૈચ્છિક રીતે હટાવવા જણાવાયું હતું અને અંતે ગઈકાલે પોલીસ અધિક્ષક અને દ્વારકા પ્રાંત અધિકારી દ્વારા અહીં દબાણ હટાવવાની ઝુંબેશ આજથી શરૂ કરવા માટેનો તખ્તો ઘડવામાં આવ્યો હતો.

આજે સવારથી શરૂ કરાયેલા ઓપરેશન ડિમોલિશનમાં ઓખા મંડળના બેટ દ્વારકા નજીકના બાલાપર ખાતે આશરે 250 જેટલા આસામીઓને અપાયેલી નોટિસો બાદ આ કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ પૂર્વે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની રૂબરૂ ઉપસ્થિતિમાં જિલ્લાના દ્વારકા અને ખંભાળિયાના બંને ડીવાયએસપી સાગર રાઠોડ અને હાર્દિક પ્રજાપતિ સાથે એલ.સી.બી., એસ.ઓ.જી. તેમજ જિલ્લાભરનો પોલીસ કાફલો પી.આઈ., પી.એસ.આઈ. ઉપરાંત એસ.આર.પી. અને મહિલા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આશરે 1000 જેટલા સુરક્ષા કર્મીઓને ડિમોલિશનના સ્થળે તૈનાત કરવામાં આવી દીધા હતા. આટલું જ નહીં, દરિયાઈ પેટ્રોલિંગ તેમજ સુરક્ષા વ્યવસ્થા પણ મજબૂત રખાઈ હતી.

ડિમોલીશનના સ્થળને પોલીસે કોર્ડન કરી અને અહીં ચકલું પણ ન ફરકે તેવી સજ્જડ વ્યવસ્થા હાથ ધરવામાં આવી હતી. ત્યારે દ્વારકા, બેટ દ્વારકા વિસ્તારમાં આજથી શરૂ થયેલા ડિમોલિશનના વધુ એક રાઉન્ડએ દબાણકર્તા તત્વોમાં ભય સાથે દોડધામ પ્રસરાવી દીધી હતી.

આ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા સંપૂર્ણપણે સાવચેતી તેમજ સીસીટીવી અને ડ્રોન કેમેરાની મદદથી બાજ નજર રાખવામાં આવી રહી છે. આ દબાણ હટાવ ઝુંબેશમાં પોલીસ તંત્ર સાથે રેવન્યુ તંત્ર, પી.જી.વી.સી.એલ. તેમજ સ્થાનિક નગરપાલિકાનો સ્ટાફ પણ જોડાયો છે.

Tags :
Bet Dwarkabet dwarka newsdemolitongujaratgujarat newsindiaindia news
Advertisement
Next Article
Advertisement