જન્મ-મરણના દાખલાની ભૂલ અરજદાર જાતે સુધારી શકશે
શહેરની તમામ હોસ્પિટલને સિવિલ રજિસ્ટ્રેશન સીસ્ટમના પોર્ટલનો ઉપયોગ કરવા સૂચના
ગુજરાત રાજ્ય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર દ્વારા જન્મ અને મરણની તમામ કામગીરી EOLAKH પોર્ટલમાં કરવામાં આવે છે તે તમામ કામગીરી ભારતના મુખ્ય રજીસ્ટ્રાર ( જન્મ અને મરણ) Registrar General of India દ્વારા તૈયાર કરેલ વેબ પોર્ટલ CRS (Civil Registration Systemમાં તબદીલ કરવાની પ્રક્રીયા હાથ ઉપર લીધેલ છે. આ કામગીરી માટે રાજકોટ મહાનગરપાલિકાને રાજકોટ શહેરની તમામ હોસ્પીટલને તાલીમ આપવાની જવાબદારી સોંપવામાં આવેલ છે. જે માટે રાજકોટ મહાનગરપાલિકાના નાયબ કમિશ્નર અને આરોગ્ય અધિકારીના નેતૃત્વ હેઠળ તા.22/08/2025ને શુક્રવારના રોજ રાજકોટ શહેરની તમામ હોસ્પીટલને પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ, રૈયા રોડ રાજકોટ ખાતે તાલીમ આપવામાં આવેલ છે. જેમા રાજકોટ શહેરના ત્રણેય ઝોનમાંથી 190 જેટલી હોસ્પીટલો દ્વારા આ તાલિમ લેવામાં આવેલ છે અને રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખા, આ પોર્ટલનો ઉપયોગ કરવા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી રહી છે.
આ પોર્ટલમાં જન્મ કે મરણની નોંધણી થતા તુંરત જ અરજદારને મોબાઇલમાં મેસેજ આવશે અને સાથો સાથ ઇમેઇલ આવશે જેનાથી અરજદાર આ નોંધમાં કોઇ ભુલ હોય તો તે જાતેજ આ ભુલ સુધારી શકાશે. જેથી ભવિષ્યમાં કચેરીનો સુધારા માટે સંપર્ક કરવાનો રહેશે નહીં. અરજદાર દ્વારા ઓનલાઇન પ્રક્રીયા મારફતે પ્રમાણપત્ર મેળવી શકશે તેમજ અરજદારોને કોઇપણ સુધારા વધારા કે નામ દાખલ થતાની સાથે તુરંતજ પ્રમાણપત્ર ઓનલાઇન મળી શકશે. આ પોર્ટલ કોમ્પ્યુટર મારફતે ઉપયોગમાં લઇ શકાશે તેમજ મોબાઇલ એપ્લીકેશન મારફતે પણ ઉપયોગમાં લઇ શકાશે