For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કરોડો રૂપિયાનો સરકારી દવાનો જથ્થો પલળી ગયો

03:52 PM Sep 04, 2024 IST | admin
કરોડો રૂપિયાનો સરકારી દવાનો જથ્થો પલળી ગયો

મોરબી રોડ ઉપર આવેલ ગુજરાત મેડિકલ સર્વિસિસ કોર્પોરેશનના વેરહાઉસના અધિકારીઓની ઘોર બેદરકારી

Advertisement

જવાબદાર અધિકારીઓનો અજાણ હોવાનો ડહોળ, વેરહાઉસ મેનેજરે મોબાઈલ બંધ કરી દીધો

રાજકોટ શહેરના મોરબી રોડ પર આવેલ ગુજરાત મેડીકલ સર્વિસિસ કોર્પોરેશનના વેર હાઉસના જવાબદાર અધિકારીઓની અતિ ગંભીર અને ગુનાહિત બેદરકારી બહાર આવી છે. તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે આ વેર હાઉસમાં પડેલો કરોડો રૂપિયાનો સરકારી દવાનો જથ્થો અને સાધનો પલળી જતાં ભારે ખળભળાટ મચી જવા પામેલ છે અને આ ઘટના દબાવવા જવાબદારો દ્વારા ભારે દોડધામ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

મળતી માહિતી મુજબ, રાજકોટની સિવિલ હોસ્પિટલ સહિત શહેર તથા જિલ્લાના સરકારી દવાખાના અને આરોગ્ય કેન્દ્રોમાં દવાનો જથ્થો પુરો પાડતાં ગુજરાત મેડીકલ સર્વિસિસ કોર્પોરેશનના રાજકોટના મોરબી રોડ પર આવેલ વેર હાઉસમાં કરોડો રૂપિયાની દવાના જથ્થાનો સંગ્રહ કરવામાં આવેલ, હોય તાજેતરમાં જન્માષ્ટમીના તહેવારો દરમિયાન પડેલા ભારે વરસાદને કારણે આ વેર હાઉસમાં છતમાંથી પાણીની ધારાવાળીઓ થતાં કરોડો રૂપિાયાનો દવાનો જથ્થો અને સાધનો પલળી ગયા હતાં. કહેવાય છે કે જવાબદાર અધિકારીઓ રજાના મુડમાં મહાલતા હતાં અને ગોડાઉનમાં પડેલા કરોડો રૂપિયાના દવાના જથ્થા અંગે બેધ્યાન રહેતા આ જથ્થો પલળી જવા પામેલ છે.
આટલું ઓછું હોય તેમ આજે જાગેલા અધિકારીઓએ તાબડતોબ ગોડાઉનમાંથી પલળેલો દવાનો જથ્થો બહાર કઢાવી તડકે સુકવવા મુક્યો હતો ત્યાં આજે સવારે ફરી વરસાદ ત્રાટકતા બહાર પડેલો જથ્થો ફરી પલળી ગયો હતો. આ ઘટના બાદ ગુજરાત મેડીકલ સર્વિસિસ કોર્પોરેશનના સ્થાનિક અધિકારીઓએ મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધા છે. જ્યારે ગાંધીનગર ખાતેના જવાબદાર અધિકારીઓનો સંપર્ક કરતાં તેઓ આ બાબતથી સંપૂર્ણ અજાણ હોવાનું ડહોળ કરી રહ્યાં છે. રાજકોટનાં વેર હાઉસ મેનેજર કુબાવતનો સંપર્ક કરવા પ્રયાસ કરતાં પહેલા તેનો મોબાઈલ વ્યસ્ત મળ્યો હતો પરંતુ ત્યારબાદ સ્વિચઓફ કરી દીધો હતો. આ મુદ્દે કોઈ અધિકારી મોંઢુ ખોલવા તૈયાર નથી ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા આ અંગે તાકીદે તપાસ કરવામાં આવે તો અધિકારીઓની ગુનાહિત બેદરકારી બહાર આવવાની પુરી શકયતા દર્શાવવામાં આવી રહી છે.
એક તરફ ગરીબ માણસોને દવા માટે અહિં તહી ભટકવું પડે છે તેવા સમયે જ કરોડો રૂપિયાનો દવાનો જથ્થો અધિકારીઓની બેદરકારીના કારણે પલળી જતાં લોકોમાં પણ ભારે રોષ ફાટી નીકળ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement