For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બાવનમા યુવક મહોત્સવનો દબદબાભેર પ્રારંભ

05:03 PM Oct 17, 2024 IST | admin
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બાવનમા યુવક મહોત્સવનો દબદબાભેર પ્રારંભ

ત્રિદિવસીય યુવક મહોત્સવમાં કુલ 33 સ્પર્ધામાં 1803 સ્પર્ધકો પોત પોતાની કલા-કુનેહ રજૂ કરશે

Advertisement

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 52મા યુવક મહોત્સવ ઉદેતીનું રાજકોટના મેયર નયનાબેન પેઢડીયા તથા કુલપતિશ્રી પ્રોફે. (ડો.) કમલસિંહ ડોડીયાના હસ્તે દીપપ્રાગટય કરી રંગારંગ ઉદઘાટન કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. (ડો.) કમલસિંહ ડોડીયા દ્વારા મેયર નયનાબેન પેઢડીયાનું મોમેન્ટો અર્પણ કરી સ્વાગત કરવામાં આવેલ હતું. યુવક મહોત્સવનું ઉદઘાટન શિક્ષણમંત્રી ઋષિકેશભાઈ પટેલ તથા રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના વરદહસ્તે થનાર હતું પરંતુ શિક્ષણમંત્રી ઋષિકેશભાઈ પટેલ તથા રાજયકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાને છેલ્લી ઘડીએ સરકારની અગત્યની કામગીરી આવતા, ઉપસ્થિત રહી શક્યા નથી, બન્ને શિક્ષણમંત્રીશ્રીઓએ યુવક મહોત્સવમાં ભાગ લેનાર સ્પર્ધકોને શુભેચ્છાઓ પાઠવી હતી.

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડો. ચેતનભાઈ ત્રિવેદીની નાદુરુસ્ત તબીયત હોવાથી ઉપસ્થિત રહી શક્યા ન હતા, કુલપતિએ યુવક મહોત્સવની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. યુવક મહોત્સવના ઉદઘાટન સમારોહ પ્રસંગે બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યઓ ડો. સી.કે. કુંભારાણા, ડો. રાહુલભાઈ કુંડુ, ડો. અતુલભાઈ ગોસાઈ તથા જાણીતા હાસ્યકાર ધીરુભાઈ સરવૈયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉદઘાટન કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલસચિવ ડો. રમેશભાઈ પરમારે સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં યુવક મહોત્સવમાં ભાગ લેવા અનેરો ઉત્સાહ અને થનગનાટ દેખાઈ રહ્યો છે.

Advertisement

52 મા યુવક મહોત્સવના ઉદઘાટન પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. (ડો.) કમલસિંહ ડોડીયાએ જણાવ્યું હતું કે, યુવક મહોત્સવ એ યુવાનોની શકિતઓને ખીલવવાનો અવસર છે. સૌરાષ્ટ્રની ધીંગી ધરામાં કલા, સાહિત્ય, સંસ્કૃતિ, શૌર્ય અને વીરતા રહેલી છે. સૌરાષ્ટ્ર પ્રાકૃતિક ધરોહર ધરાવે છે. આ ત્રિદીવસીય યુવક મહોત્સવમાં 1803 જેટલાં વિદ્યાર્થીઓ જુદી જુદી સ્પર્ધામાં ભાગ લઈ પોતાની કલા રજૂ કરવાના છે. કુલપતિશ્રીએ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને મારી શુભેચ્છાઓ પાઠવું છું.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 52 મા યુવક મહોત્સવમાં ઉપસ્થિત રાજકોટના પ્રથમ નાગરિક મેયર નયનાબેન પેઢડીયાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો આ 52 મો યુવક મહોત્સવ છે. યુવક મહોત્સવ એ યુવાનોમાં રહેલી કલાને ઓળખવાનો મંચ છે. આ ત્રિદીવસીય યુવક મહોત્સવમાં સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક વિભાગમાં કુલ 33 સ્પર્ધાઓ યોજાશે. જેમાં 1803 સ્પર્ધકો પોતાની કલા રજૂ કરશે અને કુલ 99 જેટલાં તજજ્ઞો નિર્ણાયકો તરીકે સેવા આપશે.

યુવક મહોત્સવમાં વકતૃત્વ સ્પર્ધાનો વિષય રાષ્ટ્રભકિતની સાચી ઓળખ તથા ડિબેટ સ્પર્ધાનો વિષય જવાબદારી મારી અને રાજ્યની રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમનું સુંદર સંચાલન પ્રાધ્યાપક ડો. ભરતભાઈ ખેરે કર્યું હતું, સ્ટેજ વ્યવસ્થા પ્રોફે. ડો. જે.એમ. ચંદ્રવાડીયાએ સંભાળી હતી અને આભારવિધિ શારીરિક શિક્ષણ નિયામક ડો. હરીશભાઈ રાબાએ કરેલ હતી. 52 મા યુવક મહોત્સવના ઉદઘાટન સમારોહ પ્રસંગે બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યઓ, એક્ઝીક્યુટીવ કાઉન્સીલના સભ્યઓ, ભવનોના અધ્યક્ષઓ, કોલેજોના આચાર્યઓ, પ્રાધ્યાપકઓ તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉદઘાટન કાર્યક્રમને સફળ બનાવવા કુલપતિ પ્રોફે. (ડો.) કમલસિંહ ડોડીયાના માર્ગદર્શન હેઠળ શારીરિક શિક્ષણ નિયામક ડો. હરીશભાઈ રાબા, કે.કે. બાવડા, જયસિંહ પરમાર, ઉમેશભાઈ માઢક, મૌનિકભાઈ ગઢવી તથા તમામ સમિતીઓના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement