પ્રસાદ અને પાણીમાં ઝેર ભેળવી સામૂહિક હત્યાકાંડનું આતંકીઓનું ષડયંત્ર
અમદાવાદના જગન્નાથ મંદિર-લખનઉના હનુમાનસેતુ અને દિલ્હીના મંદિરો ઉપરાંત સંઘ કાર્યાલયની પણ ISKPના આતંકવાદીઓએ રેકી કરી હોવાનો ઘટસ્ફોટ
ગુજરાત એ.ટી.એસ.ની તપાસ દરમિયાન ચોંકાવનારા ખુલાસા, ત્રણ આતંકીઓ એરંડા તેલમાંથી અત્યંત જીવલેણ ઝેરી રસાયણ બનાવવાની ફિરાકમાં હતા
અમદાવાદમાંથી ઝડપાયેલ ત્રણ આતંકવાદીઓની એટીએસ સહિતની એજન્સીઓ દ્વારા હાથ ધરાયેલ તપાસ દરમિયાન આતંકવાદીઓના ખતરનાક કાવતરા અને ઇરાદાઓનો પર્દાફાશ થયો છે. આ આતંકીઓએ ગુજરાતમાં અમદાવાદ ઉપરાંત લખનઉ અને દિલ્હીના મંદિરોના પ્રસાદમા તેમજ પાણીમા અત્યંત કાતિલ ઝેર ભેળવી સામુહિક હત્યાકાંડનું કાવતરૂ ઘડયાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ ત્રણેય આતંકીઓ તેની પાસેથી મળી આવેલા રસાયણોમાંથી રાઇસિન નામનુ કાતિલ ઝેર બનાવી રહયા હતા.
એજન્સીઓની તપાસમા ખૂલ્યુ છે કે , આ ત્રણેય આતંકીઓએ કાવતરાને અંજામ આપવા અમદાવાદના જગન્નાથ મંદિર, લખનઉના હનુમાનસેતુ અને દિલ્હીના મોટા મંદિરો ઉપરાંત લખનઉમાં આર.એસ.એસ. ના મુખ્યાલની પણ રેકી કરી હતી.
ઉત્તર પ્રદેશ અને ગુજરાતની એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ 9 નવેમ્બરે ગુજરાતમાંથી ત્રણ શખ્સોની ધરપકડ કરીને એક સંભવિત બાયોકેમિકલ આતંકવાદી કાવતરાને નિષ્ફળ બનાવ્યું છે. આ કાવતરામાં મંદિરોમાં આપવામાં આવતા પ્રસાદ માં તેમજ પાણીમાં ઘાતક ઝેર ભેળવીને મોટી જાનહાનિ સર્જવાની અને RSS(રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)ના કાર્યાલયોને નિશાન બનાવવાની યોજના હતી.
ગુજરાત ATSએ અમદાવાદ-મહેસાણા રોડ પર અડાલજ ટોલ પ્લાઝા નજીકથી ડોક્ટર અહેમદ મોહિયુદ્દીન સૈયદની સૌ પ્રથમ ધરપકડ કરી હતી. અહેમદ સૈયદ હૈદરાબાદનો રહેવાસી છે અને તેણે ચીનમાંથી MBBSની ડિગ્રી મેળવી છે. ટેકનિકલ એનાલિસિસના આધારે યુપીના શામલી જિલ્લાના આઝાદ સુલેમાન શેખ અને લખીમપુર ખેરીના મોહમ્મદ સુહૈલ સલીમ ખાનની પણ ધરપકડ કરવામાં આવી હતી.
આરોપીઓ કથિત રીતે રાયસિન (ricin) નામનું જીવલેણ ઝેર તૈયાર કરવાની તૈયારીમાં હતા, જેનો ઉપયોગ પ્રસાદમાં કરવાના હતા. અહેમદ સૈયદના કબજામાંથી પોલીસને બે ગ્લોક પિસ્તોલ, એક બેરેટા પિસ્તોલ, 30 જીવતા કારતુસ અને લગભગ 4 લિટર એરંડાનું તેલ (castor oil) મળી આવ્યું હતું, જે ઝેર બનાવવામાં મુખ્ય ઘટક છે.આરોપીઓએ લખનઉ અને દિલ્હીના મંદિરો તેમજ RSSકાર્યાલયોની સંભવિત લક્ષ્ય તરીકે રેકી (તપાસ) કરી હતી.આઝાદ અને સુહૈલને ઓનલાઈન રેડિકલાઇઝ કરીને મોબાઈલ એપ્લિકેશન દ્વારા વીડિયો તાલીમ આપવામાં આવી હતી.
તપાસમાં બહાર આવ્યું છે કે આઝાદ અને સુહૈલે પાકિસ્તાનમાંથી ડ્રોન દ્વારા હથિયારો મેળવ્યા હતા અને તેઓ અફઘાનિસ્તાન સ્થિત ઇસ્લામિક સ્ટેટ ખોરાસાન પ્રોવિન્સ (ISKP) ના ઓપરેટિવ અબુ ખદીજાના નિર્દેશ પર કામ કરી રહ્યા હતા. આ તપાસ પાકિસ્તાની વચેટિયાઓ દ્વારા ડ્રોન દ્વારા સરહદ પારથી હથિયારોની હેરફેરના એક વ્યાપક આંતરરાષ્ટ્રીય નેટવર્ક તરફ ઇશારો કરે છે.
આ ત્રણેય સામે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અહેમદ સૈયદ 17 નવેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં છે.
ફરિદાબાદના ખંડાવલીમાં વિસ્ફોટો ભરેલી લાલ કાર મળી, નજીકના ઘરો ખાલી કરાવાયા
400થી વધુ પોલીસ તૈનાત, કાર પાર્ક કરવામાં બે મહિલા-એક પુરુષ સામેલ
ફરીદાબાદના ખંડાવલી ગામમાં, ખેતરોમાં પાર્ક કરેલી લાલ ઇકોસ્પોર્ટ કારમાં વિસ્ફોટકો મળી આવતા સનસનાટી મચી ગઈ. આ એ જ લાલ ઇકોસ્પોર્ટ કાર છે જેનો ઉપયોગ આતંકવાદીઓએ દિલ્હી બોમ્બ વિસ્ફોટોમાં કર્યો હતો. વિસ્ફોટકો વિશે માહિતી મળતાં, ગજઅ, ફોરેન્સિક ટીમો અને મોટી પોલીસ ફોર્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ. કારની આસપાસના લગભગ 10 ઘરો ખાલી કરાવવામાં આવ્યા હતા અને વિસ્તાર સીલ કરવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે 400 થી વધુ પોલીસ કર્મચારીઓનો ભારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જે કોઈપણ અનિચ્છનીય ઘટનાનો સામનો કરવા માટે તૈયાર છે. ખંડાવલી ગામથી લગભગ 200 મીટર દૂર ફહીમ નામના વ્યક્તિના ઘરની નજીક ખેતરોમાં એક લાલ કાર પાર્ક કરેલી મળી આવી હતી.તપાસ એજન્સી અને પોલીસને વિસ્ફોટકોની જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં, પોલીસ વહીવટીતંત્ર અને વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા.
સલામતીને સર્વોપરી રાખીને, કારની આસપાસના લગભગ 10 ઘરોને તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યા હતા જેથી કોઈ પણ જાનહાનિ કે સંપત્તિનું નુકસાન ન થાય.પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે કાર પાર્ક કરનારા લોકોમાં બે પુરુષો અને એક મહિલાનો સમાવેશ થાય છે, જેમાં ફહીમનો સાળો પણ સામેલ છે. ફહીમનો સાળો કાર મિકેનિક હોવાનું કહેવાય છે. એવી શંકા છે કે કાર સર્વિસ દરમિયાન, ફહીમનો સાળો અલ ફલાહ યુનિવર્સિટીના ડોકટરો અને કેટલાક શંકાસ્પદ આતંકવાદીઓના સંપર્કમાં આવ્યો હતો. આ ઘટનાને ધ્યાનમાં રાખીને, સુરક્ષા એજન્સીઓને હાઇ એલર્ટ પર રાખવામાં આવી છે.
રાઇઝીન ઝેરનો કોઇ એન્ટીડોટ નથી, સામૂહિક હત્યા માટે સૌથી ખતરનાક
રિસિન એ એરંડાના કચરામાંથી મેળવવામાં આવતું અત્યંત શક્તિશાળી ઝેર છે જે એરંડાનું તેલ બનાવવા માટે પ્રક્રિયા કરવામાં આવે છે. એરંડાના બીજની ઝેરીતા જાણીતી હોવા છતાં, રિસિનને સૌપ્રથમ 1888 માં જર્મન વૈજ્ઞાનિક પીટર હર્મન સ્ટીલમાર્ક દ્વારા અલગ કરવામાં આવ્યું હતું. આ રસાયણ કોષોની અંદર પ્રોટીન સંશ્ર્લેષણને અટકાવીને કાર્ય કરે છે, જેના પરિણામે કોષ મૃત્યુ પામે છે અને જો એક્સપોઝરની માત્રા પૂરતી હોય તો અંગ નિષ્ફળતા થાય છે. જ્યારે રિસિન શ્વાસમાં લેવામાં આવે છે ત્યારે તે વાયુમાર્ગ અને ફેફસાંમાં બળતરા કરે છે. લોકો તેના શરૂૂઆતના લક્ષણો કલાકોમાં અનુભવી શકે છે જેમાં તાવ, છાતીમાં જકડાઈ જવું, ઉબકા, ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફનો સમાવેશ થાય છે આ ઝેરનો કોઇ એન્ટીડોટ કે રસી કે દવા નથી માત્ર તેના લક્ષણો સારવારને આધારે ઘટાડી શકાય છે.
ઉનાના નવા બંદરમાંથી ત્રણ શંકાસ્પદ કાશ્મીરી મળ્યા, પોલીસ દ્વારા પૂછપરછ
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નવાબંદરમાં પોલીસે ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરી હતી. કાશ્મીરથી આવેલા આ શખ્સો એક મસ્જિદમાં રોકાયા હોવાની માહિતી મળ્યા બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, પૂછપરછમાં તેમની પાસેથી કોઈ શંકાસ્પદ બાબત મળી આવી નથી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ત્રણેય વ્યક્તિઓ ભીખ માંગીને ગુજરાન ચલાવતા હતા. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા તેમની સઘન પૂછપરછ કરવામાં આવી હતી.આ સમગ્ર ઘટના બાબતે નવાબંદર મરીન પોલીસ સ્ટેશન પી.એસ.આઈ. જેબલિયા નો સંપર્ક કરતા તેમણે જણાવેલ કે જે 3 કાશ્મીરી શખ્સો ની પૂછપરછ કરી છે તેમાંથી કોઈ બાબત હાલ શંકાસ્પદ જણાતી નથી. હાલ આ બાબતે પોલીસ દ્વારા ઝીણવટ ભરી તપાસ કરી મુક્ત કરાયા છે
દીવ પોલીસે ગીર સોમનાથ પોલીસને આ શંકાસ્પદ વ્યક્તિઓ અંગે જાણકારી આપી હતી, જેના આધારે તપાસ શરૂૂ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં તેમની કોઈ શંકાસ્પદ ગતિવિધિ જણાઈ નથી.