દ્વારકા નજીકના દરિયામાંથી 4 શંકાસ્પદ ફિશિંગ બોટ સાથે આતંકીઓ ઝડપાયા: મોકડ્રીલ જાહેર
સોમનાથ સર્કિટ હાઉસ-અંબુજા સિમેન્ટની જેટીને બનાવવાના હતા નિશાન : હાશકારો
ગીર સોમનાથ જિલ્લાના અરબી સમુદ્ર કાઠે આવેલ સોમનાથ સર્કિટ હાઉસ તથા અંબુજા સિમેન્ટ કંપનીની જેટીને આતંકીઓ નિશાન બનાવવા દરિયાઈ માર્ગે આવી રહ્યાના ઈનપુટ મળતા જીલ્લા પોલીસની જુદી જુદી બ્રાન્ચો અને સ્ટાફ ફિશિંગ બોટ મારફતે દરિયામાં પેટ્રોલિંગ હાથ ધરીને જીલ્લાના મૂળ દ્વારકા નજીકના સમુદ્રમાંથી ચાર જેટલી શંકાસ્પદ ફિશિંગ બોટો સાથે શંકમદ શખ્સોને ઝડપી લીધા હતા. જો કે, આ દરીયાઈ પેટ્રોલીંગમાં ખુદ જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા સ્ટાફ સાથે જોડાયા હતા. આ સમગ્ર કવાયત મોકડ્રિલ હોવાનું જાહેર થતાં પોલીસ તંત્રએ રાતનો શ્વાસ લીધો હતો.
દરિયાઈ સુરક્ષાની ચકાસણી કરવા અર્થે સમયાંતરે સાગર સુરક્ષા કવચ ઓપરેશન હાથ ધરવામાં આવે છે. જે મુજબ ગીર સોમનાથ જીલ્લાના લાંબા દરિયા કાંઠે યોજાયેલ સાગર સુરક્ષા કવચ ઓપરેશનની આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગઈ કાલે મોડી સાંજે જીલ્લાના દરિયા કાંઠે સ્થિત સોમનાથ સર્કિટ હાઉસ તથા અંબુજા કંપનીની જેટી ઉપર હુમલો કરવા આતંકવાદીઓ બોટમાં બેસીને દરિયાઈ માર્ગે આવી રહ્યાના ઇનપુટ જીલ્લા પોલીસને મળ્યા હતા. જેના આધારે જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા, એલસીબી પીઆઈ એ.બી.જાડેજા, એસઓજી પી.આઈ ચૌહાણ મરીન, એલસીબી, એસઓજી બ્રાન્ચના સ્ટાફની જુદી જુદી ટીમો બનાવી સ્પીડ બોટમાં દરીયાઈ પેટ્રોલિંગ ઉપર નીકળ્યા હતા.
દરમ્યાન જીલ્લાના મૂળ દ્વારકાના કાંઠાની સામેના દરિયામાંથી થોડા થોડા અંતરે રહેલ ચાર જેટલી શંકાસ્પદ ફિશિંગ બોટો સાથે શંકમદ લોકોને ઝડપી પાડ્યા હતા. બાદમાં તમામ બોટો અને લોકોને દરિયાકાંઠે લાવી પૂછપરછ હાથ ધરતા આ સમગ્ર કવાયત મોકડ્રિલ હોવાનું અને પકડાયેલા શકમંદો તંત્રએ મોકલેલા માણસો હોવાનું જાહેર થતાં પોલીસ વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો.